<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

ભારતીય મહિલા બોક્સરોનો એશિયા પર વિજયધ્વજ: એશિયન ચેમ્પિયનશિપમાં 10 મેડલ જીતીને રચ્યો ઈતિહાસ; મેડલ ટેલીમાં ભારત મોખરે

ઉલાનબાતરની ધરતી પર ‘ગોલ્ડન ગર્લ્સ’નો દબદબો; ચાર ગોલ્ડ મેડલ સાથે ભારતીય ટીમ બની એશિયાની ચેમ્પિયન, શુક્રવારે પુરુષ બોક્સરો પણ મેદાન મારવા તૈયાર

ઉલાનબાતર: તા.૯ ભારતીય મહિલા બોક્સિંગ ટીમે મંગોલિયાના ઉલાનબાતર ખાતે રમાઈ રહેલી એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૬માં વિરોધીઓને હંફાવીને અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. ભારતીય મુક્કાબાજોએ પોતાની પંચની તાકાતથી કુલ ૧૦ મેડલ જીતીને મેડલ ચાર્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ જીત સાથે ભારતીય મહિલાઓએ સાબિત કરી દીધું છે કે ખંડીય સ્તરે અત્યારે ભારતનો કોઈ મુકાબલો નથી.

ટીમ ઈન્ડિયાનું ‘ક્લીન સ્વીપ’ પ્રદર્શન

મુખ્ય કોચ સેન્ટિયાગો નીવાના માર્ગદર્શન હેઠળ ભારતીય મહિલા ટીમે એવી કમાલ કરી કે ટીમની દરેક સભ્ય મેડલ સાથે ઘરે પરત ફરી રહી છે. ભારતના ખાતામાં ૪ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૪ બ્રોન્ઝ મેડલ આવ્યા છે. બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અજય સિંહની હાજરીમાં ભારતીય દીકરીઓએ રિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ગોલ્ડન વિજયની ગાથા

· મીનાક્ષી (૪૮ કિગ્રા): મંગોલિયાની સ્થાનિક બોક્સરને ૫-૦ થી હરાવીને દિવસનો પ્રથમ ગોલ્ડ મેડલ ભારતની ઝોળીમાં નાખ્યો.

· પ્રીતિ (૫૪ કિગ્રા): પ્રીતિએ ખરા અર્થમાં ચમત્કાર કર્યો! તેણે ત્રણ વખતની વિશ્વ ચેમ્પિયન અને ઓલિમ્પિક મેડલ વિજેતા ચીની તાઈપેઈની હુઆંગ હ્સિયાઓ-વેનને ૫-૦ થી ધૂળ ચટાડીને સુવર્ણ પદક જીત્યો.

· પ્રિયા (૬૦ કિગ્રા): ઉત્તર કોરિયાની મજબૂત બોક્સર સામે ૩-૦ થી વિજય મેળવીને ભારતનો તિરંગો લહેરાવ્યો.

· અરુંધતી (૭૦ કિગ્રા): કઝાકિસ્તાનની ખેલાડી સામે ૪:૧ થી વિજય મેળવીને પોતાની કેટેગરીમાં ચેમ્પિયન બની.

સિલ્વર મેડલની મજબૂત પકડ

જૈસ્મીન (૫૭ કિગ્રા) અને અલ્ફિયાન પઠાણ (૮૦+ કિગ્રા) એ પણ જોરદાર લડત આપી હતી. જોકે તેઓ ફાઈનલમાં સાધારણ અંતરથી હારી ગયા હતા અને ભારત માટે કિંમતી સિલ્વર મેડલ મેળવ્યા હતા.

હવે નજર પુરુષ બોક્સરો પર

ભારતે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં કુલ ૧૬ મેડલ (મહિલા અને પુરુષ મળીને) પાકા કરી લીધા છે, જે અન્ય કોઈ પણ દેશ કરતા સૌથી વધુ છે. હવે શુક્રવારે ભારતની નજર વધુ બે ગોલ્ડ મેડલ પર રહેશે, કારણ કે બે ભારતીય પુરુષ બોક્સરો પોતાની ફાઈનલ બાઉટ લડવા માટે રિંગમાં ઉતરશે.

ભારતીય મહિલા ટીમની આ સફળતાએ દેશભરમાં ઉત્સાહનું મોજું ફેરવી દીધું છે અને સાબિત કર્યું છે કે રિંગમાં હવે ભારતની નારી શક્તિનો જ સિક્કો ચાલશે.

 

(5:16 PM IST)