News of Thursday, 9th April 2026
દુનિયાનો એકમાત્ર એવો દેશ જ્યાં સમોસા ખાવા પર છે સખત પ્રતિબંધ

લંડન તા.૯: ભારત અને દુનિયાભરમાં જે નાસ્તો સૌથી વધુ લોકપ્રિય છે, તે છે સમોસા. ગરમાગરમ ચા અને ચટણી સાથે સમોસા મળી જાય તો દિવસ બની જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, દુનિયામાં એક એવો દેશ પણ છે જ્યાં આ સ્વાદિષ્ટ સમોસા ખાવા પર પ્રતિબંધ છે? જી હા, આ કોઈ મજાક નથી. આફ્રિકન દેશ સોમાલિયામાં સમોસા બનાવવા, વેચવા અને ખાવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધ પાછળ કોઈ સ્વાસ્થ્યનું કારણ નથી, પરંતુ એક અજીબોગરીબ ધાર્મિક માન્યતા જવાબદાર છે.
પૂર્વ આફ્રિકાનો આ દેશ લાંબા સમયથી અસ્થિરતા, દુષ્કાળ અને ગૃહયુદ્ધની ઝપેટમાં રહ્યો છે. સોમાલિયામાં કાર્યરત આતંકવાદી સંગઠન 'અલ-શબાબ' દ્વારા વર્ષ ૨૦૧૧માં આ વિચિત્ર પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી હતી. આ પાછળનું કારણ પણ ઘણું ચોંકાવનારું છે. સંગઠનનું માનવું છે કે, સમોસાનો જે ત્રિકોણીય આકાર છે, તે ખ્રિસ્તી ધર્મના પવિત્ર ટ્રિનિટી (Holy Trinity - Father, Son and the Holy Spirit)ના પ્રતીક સાથે મળતો આવે છે, તેથી ત્યાં સમોસા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો હતો. સંગઠનના સભ્યો લાઉડસ્પીકર લગાવેલા ટ્રકોમાં ફરી-ફરીને જાહેરાત કરતા હતા કે, સમોસા હવે બેન છે. તેને બનાવવા, વેચવા, ખરીદવા કે ખાવા બદલ સજાની જોગવાઈ રાખવામાં આવી હતી. લોકો આヘર્યચકિત થઈ ગયા કે, એક સામાન્ય નાસ્તા પર આટલો સખત નિર્ણય કેમ?
કટ્ટરપંથી સંગઠનનો તર્ક અત્યંત અજીબોગરીબ હતો. આતંકવાદી જૂથના મતે, આ આકાર ઇસ્લામિક માન્યતાઓ વિરુદ્ધ છે અને તે ખ્રિસ્તી ધર્મના પ્રતીકને પ્રોત્સાહન આપે છે. આ કારણોસર તેઓએ જાહેર કર્યું કે, સમોસા વેચવા કે ખાવા એ ગુનો ગણાશે. જોકે, આ પાછળ બીજું એક કારણ એવું પણ આપવામાં આવ્યું હતું કે, કેટલાક વેપારીઓ ૨૦૧૧ના ભયંકર દુષ્કાળ દરમિયાન સમોસામાં ખરાબ માંસ (સડેલું મીટ) વાપરતા હતા, જેનાથી લોકોની તબિયત બગડતી હતી. પરંતુ મુખ્યત્વે ધાર્મિક પ્રતીકના નામે જ આ પ્રતિબંધ ચલાવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આ નિયમનું ઉલ્લંઘન કરતા પકડાય, તો તેને જાહેરમાં ચાબુક મારવાથી લઈને જેલની કડક સજા સુધીના દંડ ભોગવવા પડે છે.
સમોસા મૂળભૂત રીતે મધ્ય એશિયામાંથી આવ્યા હોવાનું મનાય છે, જ્યાં તેને સમ્બોસા તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં તે ૧૩મી-૧૪મી સદીની આસપાસ આવ્યા અને અહીંના લોકોની પહેલી પસંદ બની ગયા. સોમાલિયામાં પણ પહેલા સમોસા ખૂબ જ લોકપ્રિય હતા, પરંતુ અલ-શબાબના વર્ચસ્વવાળા વિસ્તારોમાં હવે લોકો સમોસાનું નામ લેતા પણ ડરે છે. નોંધનીય છે કે, આ પ્રતિબંધ ખાસ કરીને એવા વિસ્તારોમાં વધુ કડક છે જ્યાં અલ-શબાબનું નિયંત્રણ છે. સોમાલિયાના અન્ય ભાગો જ્યાં સરકારનું શાસન છે, ત્યાં સ્થિતિ થોડી અલગ હોઈ શકે છે, પરંતુ ડરના કારણે મોટાભાગના લોકોએ આ લોકપ્રિય નાસ્તાથી અંતર બનાવી લીધું છે.
ભારતમાં સમોસા દરેક ઉંમર અને દરેક વર્ગનો સૌથી પ્રિય નાસ્તો છે. રસ્તાની બાજુએ, ચાની દુકાન, રેલ્વે સ્ટેશન કે ઘરની પાર્ટી દરેક જગ્યાએ સમોસાની માંગ રહે છે. તેનો સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને મસાલેદાર હોવો એ તેની લોકપ્રિયતાનું મુખ્ય કારણ છે. બટાકા, વટાણા, ડુંગળી અને ગરમ મસાલાથી ભરેલા ત્રિકોણીય સમોસા તીખી ચટણી કે આમલીની ખાટી-મીઠી ચટણી સાથે ખાવામાં લાજવાબ લાગે છે. તે સસ્તો, સરળતાથી ઉપલબ્ધ અને પેટ ભરી દે તેવો નાસ્તો છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
