News of Thursday, 9th April 2026
મોદી કેબિનેટનો ઐતિહાસિક નિર્ણયઃ મહિલા અનામત સુધારા બિલને મંજૂરી
મોદી સરકારે સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે માસ્ટરપ્લાન તૈયાર કર્યોઃ લોકસભાની કુલ બેઠકોની સંખ્યા ૫૪૩થી વધારીને ૮૧૬ કરવા માટે પ્રસ્તાવ : મહિલા સાંસદોની સંખ્યા ૭૪થી વધીને ૨૬૯ અને ધારાસભ્યોની સંખ્યા ૨,૦૪૧ થશે

નવી દિલ્હી તા.૯: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટે બુધવારે એક ક્રાંતિકારી પગલાને મંજૂરી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩% બેઠકો અનામત રાખવા માટેના સુધારા બિલને લીલી ઝંડી મળી ગઈ છે. આ બિલ ૧૬ એપ્રિલથી શરૂ થનારા સંસદના વિશેષ સત્રમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
આ પ્રસ્તાવની સૌથી મોટી અસર લોકસભાના માળખા પર પડશે. નવા બિલ મુજબ, ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન પંચની સ્થાપના કરવામાં આવશે. જેના પરિણામે લોકસભાની કુલ બેઠકોની સંખ્યા હાલની ૫૪૩થી વધીને ૮૧૬ થઈ જશે. જોકે, વર્તમાન બેઠકોની ભૌગોલિક સ્થિતિમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, પરંતુ નવી બેઠકો ઉમેરવામાં આવશે. આ વ્યવસ્થા ૨૦૨૯ની સામાન્ય ચૂંટણીઓથી લાગુ કરવામાં આવશે.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીઅ આ નિર્ણયને વુમન લેડ ડેવલપમેન્ટના સુવર્ણ યુગની શરૂઆત ગણાવી છે. તેમણે જણાવ્યું કે, હાલમાં લોકસભામાં માત્ર ૭૪ મહિલા સભ્યો છે, પરંતુ ૩૩% અનામત અને સીમાંકન બાદ આ સંખ્યા વધીને ૨૬૯ થશે. તેવી જ રીતે, રાજ્ય વિધાનસભાઓમાં મહિલા ધારાસભ્યોની સંખ્યા ૩૯૦થી વધીને ૨,૦૪૧ સુધી પહોંચશે, જે નીતિનિર્માણને વધુ સર્વસમાવેશક બનાવશે.
બીજી તરફ, આ બિલને લઈને રાજકીય પ્રતિક્રિયાઓ પણ શરૂ થઈ ગઈ છે. મુંબઈના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીઅ આ પહેલનું સ્વાગત તો કર્યું છે, પરંતુ સાથે જ દલિત અને મુસ્લિમ મહિલાઓ માટે અલગ ક્વોટાની માંગ કરી છે. તેમણે ચિતા વ્યક્ત કરી કે ક્વોટા વિના માત્ર સંપન્ન અને શિક્ષિત વર્ગની મહિલાઓ જ આગળ આવશે, જ્યારે પછાત વર્ગની મહિલાઓ હજુ પણ હાંસિયામાં રહેશે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
