<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

લગ્નપ્રસંગે કંકોત્રીને બદલે ઓક્‍સિજન પ્‍લાન્‍ટના કુંડા પર નિમંત્રણ

સામાજિક પ્રસંગમાં પર્યાવરણને પ્રાધાન્‍યની અનોખી પહેલ

ચીખલી,તા.૦૯ફ ચીખલીમાં ઘાસવાલા પરિવાર દ્વારા પુત્રના લગ્નના સામાજિક પ્રસંગને પર્યાવરણ જાગૃતિ સાથે જોડતો અનોખો પ્રયોગ કરતા કંકોત્રીના સ્‍થાને મહેમાનોને ઓક્‍સિજન પ્‍લાન્‍ટ આપી નિમંત્રણ પાઠવ્‍યું હતું. સામાજિક પ્રસંગમાં પર્યાવરણને પ્રાધાન્‍ય આપવાની અનોખી પહેલની લોકોએ ભારોભાર પ્રશંસા કરી છે.

ઘાસવાલા પરિવારના આનંદ દેસાઈ અને સોનલ દેસાઈના પુત્ર ડો. રાજના લગ્ન ઉધના નિવાસી ભરતભાઈ અને પૂર્વીબેન વશીની દીકરી આયુષી સાથે યોજાતા આ ઘાસવાલા પરિવાર દ્વારા લગ્નપ્રસંગોમાં થતા ભપકા અને બિનજરૂરી ખર્ચના જમાનામાં પરંપરાગત કાગળની કંકોત્રીને તિલાંજલી આપી ઓક્‍સિજન આપતા સ્‍પાઈડર પ્‍લાન્‍ટના કુંડા પર આમંત્રણ પત્રિકા અંકીત કરી મહેમાનોને આ પ્‍લાન્‍ટ આપી નિમંત્રણ આપવામાં આવ્‍યું હતું. ગ્‍લોબલ વોર્મિગના સમયમાં પર્યાવરણના સંવર્ધન જતનને પ્રાધાન્‍ય આપી સામાજિક પ્રસંગમાં પર્યાવરણનો સમન્‍વય કરી અનોખી પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. પરિવારના આ પ્રયત્‍નને સમાજમાં વિશાળ પ્રતિસાદ મળ્‍યો છે. બદલાતા સમયની જરૂરિયાતની સમજી પર્યાવરણને કેન્‍દ્રમાં રાખતી આ પહેલ ખાસ કરીને લગ્ન જેવા પ્રસંગોમાં વૈભવ કરતા સંવેદનાને પ્રાથમિકતા આપવાનો અભિગમ દર્શાવે છે.

સ્‍પાઇડર પ્‍લાન્‍ટની વિશિષ્ટતા

આ સ્‍પાઇડર પ્‍લાન્‍ટ એક શ્રેષ્ઠ ઇન્‍ડોર પ્‍લાન્‍ટ છે. ઓક્‍સિજનની માત્રા વધારે છે. અને હવામાં રહેલા ઝેરી કેમિકલને શોષીને માનસિક તણાવ ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ ઇકો ફ્રેન્‍ડલી આઇડિયાની તેમના પરિવારના ડો. ઝલક અને ડો. કૃતાર્થ દેસાઈએ પ્રેરણા આપી હતી. આ પ્રસંગે ક્‍લિનિક પર ખાસ દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ભોજન સમારંભ યોજાયો હતો.

વડાપ્રધાન, ગૃહમંત્રી વગેરેએ અભિગમને બિરદાવ્‍યો

ઘાસવાલા પરિવારના આ પર્યાવરણલક્ષી અભિગમને બિરદાવી આ અનોખી પહેલ માટે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મધ્‍યપ્રદેશના ગવર્નર મંગુભાઈ દ્વારા પત્રના માધ્‍યમથી જ્‍યારે કેબિનેટ મંત્રી નરેશભાઈએ રૂબરૂ ઉપસ્‍થિત રહી શુભેચ્‍છા પાઠવી હતી.

 

(1:20 PM IST)