News of Wednesday, 8th April 2026
એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! 'NoVoice' નામનો અત્યંત ખતરનાક માલવેર ત્રાટક્યો: ફેક્ટરી રીસેટ કરવા છતાં ફોનમાંથી દૂર નથી થતો આ ભયાનક વાયરસ
McAfee નો ચોંકાવનારો ખુલાસો: 23 લાખથી વધુ વખત ડાઉનલોડ થયેલી 50 જેટલી એપ્સમાં છુપાયેલો છે વાયરસ, જૂના અને બજેટ સ્માર્ટફોન સોફ્ટવેર રીફ્લેશ વગર શુદ્ધ નહીં થાય

રાજકોટ : ડિજિટલ દુનિયામાં સુરક્ષાના દાવાઓ વચ્ચે 'NoVoice' નામના એક નવા અને અત્યંત જિદ્દી એન્ડ્રોઇડ માલવેરે સાયબર નિષ્ણાતોની ઊંઘ હરામ કરી દીધી છે. પ્રખ્યાત સાયબર સુરક્ષા કંપની McAfee દ્વારા કરવામાં આવેલા સંશોધન મુજબ, આ માલવેર એટલો શક્તિશાળી છે કે સામાન્ય રીતે આપણે ફોનને સુરક્ષિત કરવા માટે જે 'ફેક્ટરી રીસેટ' કરીએ છીએ, તેનાથી પણ આ વાયરસ મરતો નથી. અત્યાર સુધીમાં ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ ૫૦ થી વધુ એપ્સમાં આ વાયરસ મળી આવ્યો છે, જેને ૨૩ લાખથી વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે.
કેવી રીતે ફોનને બનાવે છે શિકાર?
આ માલવેર કોઈ શંકાસ્પદ લિંક દ્વારા નહીં, પરંતુ ખૂબ જ સામાન્ય દેખાતી એપ્સ જેવી કે સિસ્ટમ ક્લીનર્સ, ગેમ્સ અને ફોટો ગેલેરી એપ્સમાં છુપાઈને આવે છે. એકવાર આ એપ ઇન્સ્ટોલ થઈ જાય પછી તે ફોનની નબળાઈઓનો ઉપયોગ કરીને 'રૂટ એક્સેસ' મેળવી લે છે. એટલે કે, તે ફોનની સિસ્ટમમાં એટલી ઊંડે સુધી ઉતરી જાય છે કે તેને દૂર કરવા માટે માત્ર રીસેટ કામ આવતું નથી, પરંતુ આખા ફોનનું ફર્મવેર (સોફ્ટવેર) ફરીથી ઇન્સ્ટોલ કરવું પડે છે.
કયા ફોન પર જોખમ વધુ?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વાયરસ મુખ્યત્વે એવા જૂના અથવા બજેટ સ્માર્ટફોનને નિશાન બનાવે છે જેમને મે ૨૦૨૧ પછી કોઈ પણ પ્રકારના સિક્યુરિટી અપડેટ્સ મળ્યા નથી. ભારત સહિત અમેરિકા, યુરોપ અને આફ્રિકાના લાખો યુઝર્સ આનાથી પ્રભાવિત થયા હોવાની આશંકા છે. જો તમારો ફોન જૂનો છે અને તેમાં અચાનક અજીબ ગતિવિધિઓ જોવા મળે તો તે આ વાયરસની અસર હોઈ શકે છે.
બચવા માટે શું કરવું?
૧. હંમેશા તમારા ફોનમાં લેટેસ્ટ સિક્યુરિટી અપડેટ્સ ઇન્સ્ટોલ રાખો.
૨. ગૂગલ પ્લે સ્ટોર પરથી કોઈ પણ એપ ડાઉનલોડ કરતા પહેલા તેના રિવ્યુ અને રેટિંગ્સ ચોક્કસ તપાસો.
૩. અજાણી કે જરૂર વગરની ક્લીનર અને ગેમિંગ એપ્સ ડાઉનલોડ કરવાનું ટાળો.
૪. જો ફોનમાં વાયરસ હોવાની શંકા હોય, તો અધિકૃત સર્વિસ સેન્ટર પર જઈને ફર્મવેરને 'રિફ્લેશ' કરાવો.
ટેકનોલોજીની આ દુનિયામાં સાવચેતી એ જ શ્રેષ્ઠ સુરક્ષા છે, કારણ કે એક નાનકડી ભૂલ તમારા અંગત ડેટાને જોખમમાં મૂકી શકે છે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
