તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th April 2026
કાંગારૂઓની ભૂમિ પર સનાતનનો જયઘોષ: ઓસ્ટ્રેલિયન સંસદમાં બાબા બાગેશ્વરનું ગુંજ્યું ઐતિહાસિક પ્રવચન!
"યુદ્ધ નહીં બુદ્ધને પસંદ કરો": ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કેનબેરાના સંસદ ભવનથી અમેરિકા-ઈરાન યુદ્ધવિરામને વધાવ્યો, વિશ્વ શાંતિ માટે 'આંતરિક સંતોષ'નો આપ્યો અજોડ મંત્ર

કેનબેરા: ઓસ્ટ્રેલિયાના ઈતિહાસમાં આજે એક નવો અધ્યાય લખાયો છે, જ્યારે બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કેનબેરા સ્થિત સંસદ ભવનમાં પોતાનું પ્રથમ આધ્યાત્મિક સંબોધન આપ્યું. 8 થી 15 એપ્રિલ સુધીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રહેલા બાબા બાગેશ્વરે સનાતન સંસ્કૃતિનો ધ્વજ લહેરાવતા જણાવ્યું કે, આ પ્રથમવાર છે જ્યારે કોઈ ભારતીય સંતે ઓસ્ટ્રેલિયન સંસદના મંચ પરથી વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો હોય. તેમણે ભારપૂર્વક કહ્યું કે જ્યાં સુધી મનુષ્યના મનમાં શાંતિ નહીં હોય, ત્યાં સુધી વિશ્વમાં શાંતિ સ્થાપવી અશક્ય છે. ભારતની 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવનાને દોહરાવતા તેમણે કહ્યું કે અમે વિશ્વને બજાર નહીં પણ પરિવાર માનીએ છીએ.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને તાજેતરના અમેરિકા-ઈરાન યુદ્ધવિરામનો ઉલ્લેખ કરતા બાબાએ અત્યંત ગંભીર વાત કહી. તેમણે જણાવ્યું કે, "સંઘર્ષ કોઈ સમસ્યાનો ઉકેલ નથી, માત્ર સંવાદ જ એકમાત્ર રસ્તો છે." તેમણે વિશ્વના શક્તિશાળી દેશોને ટાંકતા કહ્યું કે જો તમારે વિનાશ જોઈએ છે તો યુદ્ધ પસંદ કરો, પણ જો વિકાસ જોઈએ છે તો બુદ્ધના માર્ગે ચાલવું પડશે. મહાભારતનું ઉદાહરણ આપતા તેમણે સમજાવ્યું કે કુરુક્ષેત્રમાં લડેલા તમામનો અંત આવી ગયો પણ શાંતિનો માર્ગ જ આજે જીવિત છે. તેમની આ વાત સાંભળીને ત્યાં હાજર વહીવટી અધિકારીઓ અને મહાનુભાવો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
આંતરિક શાંતિની વ્યાખ્યા આપતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે માણસની અસંતોષની વૃત્તિ જ તેને બેચેન બનાવે છે. મોટા રાજાઓ અને વૈભવશાળી લોકો પણ જે શાંતિ નથી મેળવી શકતા, તે શાંતિ સંતો અને ફકીરોમાં જોવા મળે છે કારણ કે તેઓ અંદરથી સંતુષ્ટ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જે વ્યક્તિ તોફાનની વચ્ચે પણ અંદરથી શાંત રહી શકે, તેને બહારની કોઈ અશાંતિ હચમચાવી શકતી નથી. નોંધનીય છે કે બાબાના આ પ્રવાસમાં 11-12 એપ્રિલે પર્થમાં હનુમાન કથા અને 15 એપ્રિલે આઈકોનિક સિડની ઓપેરા હાઉસ ખાતે ભવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અત્યારથી જ ઓસ્ટ્રેલિયામાં ભારે ધૂમ મચી છે.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
