<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

AIની દુનિયામાં મહાસંગ્રામ: એલોન મસ્કે OpenAI ના CEO સેમ ઓલ્ટમેનને પદ પરથી હટાવવાની કરી માંગ, માઇક્રોસોફ્ટ સાથેની પાર્ટનરશિપ પર ઉઠાવ્યા ગંભીર સવાલો

"OpenAI હવે જનતાની સેવા નહીં પણ નફાની લાલચુ બની છે": મસ્કે કોર્ટમાં કરી ધારદાર રજૂઆત, 134 અબજ ડોલરના નુકસાનની માંગણી સાથે ખળભળાટ

સાન ફ્રાન્સિસ્કો, તા. 8: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની દુનિયામાં અત્યારે એલોન મસ્ક અને OpenAI વચ્ચે 'આરપારની લડાઈ' શરૂ થઈ છે. OpenAI ના સહ-સ્થાપક રહી ચૂકેલા એલોન મસ્કે હવે સીધું જ આક્રમક વલણ અપનાવતા કોર્ટ પાસે માંગ કરી છે કે કંપનીના વર્તમાન CEO સેમ ઓલ્ટમેન અને પ્રમુખ ગ્રેગ બ્રોકમેનને તેમના પદ પરથી તાત્કાલિક હટાવવામાં આવે. મસ્કનો આરોપ છે કે જે કંપની માનવજાતના કલ્યાણ માટે 'નોન-પ્રોફિટ' તરીકે શરૂ થઈ હતી, તે હવે માઇક્રોસોફ્ટના ઈશારે માત્ર પૈસા છાપવાનું મશીન બની ગઈ છે.
મિશનથી ભટકી ગઈ છે OpenAI?
7 એપ્રિલના રોજ કોર્ટમાં ફાઈલ કરવામાં આવેલી અરજીમાં મસ્કે જણાવ્યું હતું કે તેમનો હેતુ OpenAI ને ફરીથી તેના મૂળ સ્વરૂપ એટલે કે બિન-લાભકારી સંશોધન સંસ્થા તરીકે સ્થાપિત કરવાનો છે. મસ્કે દાવો કર્યો છે કે કંપનીએ અબજો ડોલરનું ભંડોળ લીધા પછી પોતાના સ્થાપક સિદ્ધાંતોને નેવે મૂકી દીધા છે. તેમણે વધુમાં એવી પણ વિનંતી કરી છે કે જો આ કેસમાં કોઈ આર્થિક દંડ કે વળતર મળે, તો તે રકમ મસ્કને નહીં પણ OpenAI ની ચેરિટેબલ પાંખને જ આપવામાં આવે.
OpenAI નો વળતો પ્રહાર: "મસ્કને ઈર્ષ્યા આવે છે"
બીજી તરફ, OpenAI એ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. કંપનીએ મસ્કના આ કાનૂની દાવને "પજવણીનું ઝુંબેશ" ગણાવ્યું છે. કંપનીના અધિકારીઓનું કહેવું છે કે મસ્ક પોતાના હરીફ AI સાહસ 'xAI' ને આગળ વધારવા માટે અને OpenAI ની પ્રગતિ રોકવા માટે "અહંકાર અને ઈર્ષ્યા" ને કારણે આ બધું કરી રહ્યા છે. કંપનીએ એમ પણ ઉમેર્યું કે અગાઉ મસ્કે OpenAI ને ખરીદવા માટે 97.4 અબજ ડોલરની ઓફર આપી હતી, જેનો કંપનીએ અસ્વીકાર કર્યો હતો.
ચીની AI મોડેલ્સનો વધતો ખતરો
આ કાનૂની લડાઈ વચ્ચે એક ચોંકાવનારો અહેવાલ એ પણ છે કે ચીની AI મોડેલ્સ વૈશ્વિક સ્તરે ખૂબ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા છે. 2024 ના અંત સુધીમાં જેનો હિસ્સો માત્ર 1 ટકા હતો, તે હવે વધીને 30 ટકા સુધી પહોંચી ગયો છે. આ બાબત અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક સ્પર્ધાત્મકતા માટે ચિંતાનો વિષય બની છે.
એલોન મસ્ક, જેમણે 2015 માં આ કંપનીની સ્થાપના કરી હતી અને 2018 માં બોર્ડ છોડી દીધું હતું, તેઓ હવે આ લડાઈને કઈ હદ સુધી લઈ જાય છે તેના પર આખી દુનિયાની નજર છે. શું સેમ ઓલ્ટમેન પોતાની ખુરશી બચાવી શકશે કે મસ્કનું આ 'મિશન ક્લીન-અપ' સફળ થશે? તે આવનારો સમય જ કહેશે.

(4:18 PM IST)