<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

ટ્રમ્પ સરકારનો મોટો ફટકો: ન્યૂયોર્ક, શિકાગો અને લોસ એન્જલસ જેવા 'સેન્ચ્યુરી સિટીઝ' ના એરપોર્ટ્સ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ થઈ શકે છે બંધ!

ઇમિગ્રેશન નિયમોમાં સહકાર ન આપનારા શહેરો સામે કડક વલણ: હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરીએ કસ્ટમ અધિકારીઓને પરત ખેંચવાની આપી ચેતવણી

વોશિંગ્ટન, તા. 8: અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર અને ડેમોક્રેટિક રાજ્યો વચ્ચે ચાલી રહેલી 'ઇમિગ્રેશન વોર' હવે ગંભીર વળાંક પર પહોંચી છે. હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી માર્કવેન મુલિને એક ચોંકાવનારું નિવેદન આપતા સંકેત આપ્યો છે કે, જે શહેરો ફેડરલ ઇમિગ્રેશન કાયદાઓનો અમલ કરવામાં સહકાર નથી આપી રહ્યા, તેવા 'અભયારણ્ય શહેરો' (Sanctuary Cities) ના એરપોર્ટ પરથી કસ્ટમ્સ પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ કરવામાં આવી શકે છે. જો આવું થશે, તો ન્યૂયોર્ક અને લોસ એન્જલસ જેવા મહાનગરોમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું આગમન અટકી જશે.
પ્રવાસન અને વેપાર પર પડશે મોટી અસર
આ સંભવિત નિર્ણયથી અમેરિકાના વેપાર અને પર્યટન ક્ષેત્રે ભૂકંપ આવી શકે છે. ખાસ કરીને ન્યૂયોર્ક, શિકાગો, સાન ફ્રાન્સિસ્કો અને સિએટલ જેવા મોટા એરપોર્ટ હબ આ યાદીમાં સામેલ છે. ગયા વર્ષે માત્ર ન્યૂયોર્કના ત્રણ મુખ્ય એરપોર્ટ પર જ 5 કરોડથી વધુ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ ઉતર્યા હતા. જો આ એરપોર્ટ્સ પરથી કસ્ટમ અધિકારીઓ હટાવી લેવામાં આવે, તો કોઈ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ત્યાં લેન્ડ થઈ શકશે નહીં, જેની સીધી અસર જૂન મહિનામાં શરૂ થનારા ફિફા (FIFA) વર્લ્ડ કપ પર પણ પડી શકે છે.
ભંડોળની લડાઈ અને રાજકીય ટકરાવ
આ વિવાદના મૂળમાં ફેબ્રુઆરી મહિનાથી ચાલી રહેલી ભંડોળની ખેંચતાણ છે. ડેમોક્રેટ્સે રાષ્ટ્રપતિ ટ્રમ્પના કડક ઇમિગ્રેશન અભિયાન માટે વધારાનું ભંડોળ આપવાનો ઇનકાર કર્યો છે. તેના જવાબમાં માર્કવેન મુલિને દલીલ કરી છે કે, "જો શહેરો ઇમિગ્રેશન નીતિઓ લાગુ કરવાનો ઇનકાર કરશે, તો અમારા માટે તે શહેરોમાં આંતરરાષ્ટ્રીય મુસાફરોની પ્રક્રિયા ચાલુ રાખવાનો કોઈ તર્ક રહેતો નથી." તેમણે સ્પષ્ટ કર્યું કે આ વિચારણા હેઠળના વિકલ્પોમાંથી એક છે અને ટૂંક સમયમાં તેઓ આ બાબતે ટ્રમ્પ સાથે ચર્ચા કરશે.
અભયારણ્ય શહેરોની યાદીમાં કોણ છે?
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ન્યૂયોર્ક સિટી, નેવાર્ક, ડેનવર, ફિલાડેલ્ફિયા, શિકાગો, લોસ એન્જલસ અને સાન ફ્રાન્સિસ્કો જેવા દિગ્ગજ શહેરોનો સમાવેશ થાય છે. આ શહેરોની સ્થાનિક સરકારો ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એજન્સીઓને સહકાર આપવાની ના પાડી રહી છે, જેને મુલિને ગેરકાયદેસર ગણાવ્યું છે. જો આ મડાગાંઠ ઉકેલાશે નહીં, તો આગામી દિવસોમાં અમેરિકા જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના શિડ્યુલમાં ભારે અફરાતફરી જોવા મળી શકે છે.

(4:15 PM IST)