News of Wednesday, 8th April 2026
મધ્ય પૂર્વમાં બે સપ્તાહના યુદ્ધવિરામની જાહેરાતથી એશિયન શેરબજારોમાં જબરદસ્ત ઉછાળો: દક્ષિણ કોરિયાનો મુખ્ય ઇન્ડેક્સ કોસ્પી ૫.૩ ટકા જેટલો ઉછળ્યો છે, જ્યારે જાપાનના નિક્કેઇ ૨૨૫ ઇન્ડેક્સમાં ૪.૫ ટકાનો માતબર વધારો નોંધાયો: રોકાણકારોને મોટી રાહત: ભારતીય ગિફ્ટ નિફ્ટીમાં પણ 3.5%ના વધારા સાથે ધમાકેદાર શરૂઆત

અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામની જાહેરાત બાદ વૈશ્વિક બજારોમાં સકારાત્મક માહોલ જોવા મળ્યો છે. હોર્મુઝની સામુદ્રધુની મારફતે ઇંધણનો પુરવઠો ફરી શરૂ થવાની આશાએ એશિયન શેરબજારો ઉઘડતા જ ૪ થી ૫ ટકા સુધી ઉછળ્યા છે, જેનાથી રોકાણકારોમાં ભારે ઉત્સાહ છે.
મધ્ય પૂર્વના તણાવમાં ઘટાડો થવાની સીધી સકારાત્મક અસર વૈશ્વિક શેરબજારો પર પડી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પરના હુમલાઓ અટકાવીને બે સપ્તાહના યુદ્ધવિરામની સંમતિ આપ્યા બાદ આર્થિક જગતમાં રાહતનો શ્વાસ લેવાયો છે.
આ નિર્ણયના પરિણામે, એશિયન માર્કેટમાં ઉઘડતા બજારે જબરદસ્ત તેજી જોવા મળી છે. દક્ષિણ કોરિયાનો મુખ્ય ઇન્ડેક્સ કોસ્પી ૫.૩ ટકા જેટલો ઉછળ્યો છે, જ્યારે જાપાનના નિક્કેઇ ૨૨૫ ઇન્ડેક્સમાં ૪.૫ ટકાનો માતબર વધારો નોંધાયો છે. આ ઉપરાંત એમએસસીઆઇ એશિયા-પેસિફિક ઇન્ડેક્સમાં પણ ૪.૭ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી પણ ૩.૫ ટકા ઉછળીને ખુલ્યો હતો.
છેલ્લા કેટલાક સપ્તાહોથી ચાલી રહેલા આ સંઘર્ષને કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર મોટું સંકટ ઊભું થયું હતું, કારણ કે વિશ્વનું ૨૦ ટકા જેટલું ક્રૂડ ઓઇલ અને ગેસ હોર્મુઝની સામુદ્રધુની મારફતે પસાર થાય છે.
યુદ્ધવિરામને કારણે આ જળમાર્ગ મારફતે ફરીથી વ્યાપારી જહાજોની અવરજવર રાબેતા મુજબ થવાની શક્યતાઓ વધી છે. તેને પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો કડાકો નોંધાયો છે, જેણે મોંઘવારીના દરમાં ઘટાડો થવાની અપેક્ષાઓ વધારી છે. આ તમામ વૈશ્વિક અને આર્થિક પરિબળોને પગલે એશિયન શેરબજારોમાં રોકાણકારોએ મોટા પાયે ખરીદી કરતા બજારો ૪ થી ૫ ટકા સુધી વધી ગયા છે.
(8:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
