તા. ૩૧ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૩ શનિવાર
News of Tuesday, 7th April 2026
આ મસ્જિદ નહીં પણ સરસ્વતી દેવીનું મંદિર :હિન્દૂ પક્ષની દલીલ : ભોજશાળાનો વિવાદ વધુ તેજ બન્યો
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ પણ સ્થળની મુલાકાત લઈને પરિસરના અવશેષોના આધારે તેને મંદિર હોવાનો દાવો મજબૂત કર્યો

મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળાનો વિવાદ વધુ તેજ બન્યો છે. તાજેતરમાં ભોજશાળા પરિસરની બહાર હિન્દુ સમાજ દ્વારા સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ એકત્ર થઈને હનુમાન ચાલીસાના સામૂહિક પાઠ કર્યા હતા. આ ગતિવિધિ બાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ પણ સ્થળની મુલાકાત લઈને પરિસરના અવશેષોના આધારે તેને મંદિર હોવાનો દાવો મજબૂત કર્યો છે.
ઈન્દોર હાઈકોર્ટની ખંડપીઠ સમક્ષ આ મામલે નિયમિત સુનાવણી ચાલી રહી છે. હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ તરફથી વકીલ વિષ્ણુ શંકર જૈને કોર્ટમાં મજબૂત પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, આ પરિસર મૂળભૂત રીતે દેવી સરસ્વતીનું મંદિર છે અને તે ક્યારેય મસ્જિદ હોઈ શકે નહીં. તેમણે એએસઆઈ (ASI) ની 2000 પાનાની વૈજ્ઞાનિક સર્વે રિપોર્ટ અને ઐતિહાસિક તથ્યોનો હવાલો આપીને દાવો કર્યો છે કે, પરમાર રાજા ભોજ દ્વારા નિર્મિત આ સ્થાપત્યમાં આજે પણ સંસ્કૃત શ્લોકોવાળા શિલાલેખો, મંડપ અને હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મોજૂદ છે.
હિન્દુ પક્ષના વકીલે સ્પષ્ટ કર્યું કે કાયદાકીય નિયમો અનુસાર, એએસઆઈ સુરક્ષિત કોઈ પણ સ્મારકનું ધાર્મિક સ્વરૂપ બદલી શકાતું નથી. તેથી, ભોજશાળામાં વાગ્દેવીની મૂર્તિ પુનઃસ્થાપિત કરીને હિન્દુઓને નિર્બાધ પૂજાનો અધિકાર મળવો જોઈએ. બીજી તરફ, મુસ્લિમ પક્ષ આ સ્થળને ‘કમાલ મૌલા મસ્જિદ’ ગણાવે છે અને એએસઆઈના સર્વેક્ષણ પર પ્રશ્નો ઉઠાવ્યા છે.
પ્રવીણ તોગડિયાએ સ્થળ પર નિરીક્ષણ કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, પરિસરમાં રહેલા શિવલિંગ અને અન્ય હિન્દુ પ્રતીકો પુરાવો છે કે આ સ્થાપત્ય હિન્દુ મંદિર છે. તેમણે માંગ કરી છે કે આ સ્થળે નમાઝ પર તાત્કાલિક રોક લગાવવી જોઈએ અને હિન્દુઓને પૂજા કરવાની છૂટ આપવી જોઈએ.
ભોજશાળાનો આ વિવાદ દાયકાઓથી અદાલતમાં છે. હવે કોર્ટ આ તમામ ઐતિહાસિક પુરાવાઓ અને પક્ષોની દલીલોને ધ્યાનમાં રાખીને શું નિર્ણય લે છે, તે જોવું મહત્વનું રહેશે. અત્યારે તો સમગ્ર ધાર પંથક આ મુદ્દે ચર્ચાઓથી ગરમાયેલું છે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
