News of Tuesday, 7th April 2026
'ઇન્ડિયા' ગઠબંધનમાં ભડકો: મમતા બેનર્જીએ ભાજપ સાથે 'મિલીભગત'નો આરોપ લગાવતા કોંગ્રેસ લાલઘૂમ, કહ્યું- "દીદીએ માનસિક સંતુલન ગુમાવ્યું"
પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા સાથી પક્ષો સામસામે: મણિકમ ટાગોરે મમતાને જૂનું ગઠબંધન યાદ અપાવ્યું, રાહુલ ગાંધીના બલિદાનની દુહાઈ આપી એકતા પર ઉઠાવ્યા સવાલ

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના બ્યુગલ વાગી ચુક્યા છે, પરંતુ મેદાનમાં ઉતરતા પહેલા જ વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા' (INDIA) માં ભયંકર ભડકો થયો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોંગ્રેસ, ડીએમકે (DMK) અને ભાજપ વચ્ચે સાંઠગાંઠ હોવાનો સંકેત આપતા જ કોંગ્રેસે આકરા શબ્દોમાં વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ સાંસદ મણિકમ ટાગોરે મમતાના આરોપોને 'બેજવાબદાર' ગણાવતા કહ્યું છે કે તેમણે પોતાનું સંયમ ગુમાવી દીધું છે.
જૂના દિવસોની યાદ અપાવી કોંગ્રેસનો કટાક્ષ
મણિકમ ટાગોરે સોશિયલ મીડિયા પર મમતા બેનર્જીને આડે હાથ લેતા જણાવ્યું કે, જેઓ આજે કોંગ્રેસ પર આરોપ લગાવી રહ્યા છે, તેઓ ભૂલી ગયા લાગે છે કે તૃણમૂલ કોંગ્રેસ જ હતી જે 1998, 1999 અને 2004માં આરએસએસ-ભાજપ ગઠબંધનનો ભાગ રહી હતી. ટાગોરે ઉમેર્યું કે, "ભાજપ સામે કેવી રીતે લડવું તે માટે કોંગ્રેસે કોઈની પાસેથી પાઠ શીખવાની જરૂર નથી. રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ સામે લડવા માટે પોતાનું સભ્યપદ અને ઘર પણ ગુમાવ્યું છે."
બંગાળમાં મતોના ધ્રુવીકરણનો જંગ
માત્ર મમતા જ નહીં, પરંતુ ટીએમસી નેતા અભિષેક બેનર્જીએ પણ ગંભીર આરોપ લગાવ્યો છે કે બંગાળમાં અધીર રંજન ચૌધરીની કોંગ્રેસ અમિત શાહના કેન્દ્રીય દળોના રક્ષણ હેઠળ ભાજપને ફાયદો કરાવવા માટે મતોનું વિભાજન કરી રહી છે. બીજી તરફ, કોંગ્રેસનું કહેવું છે કે મમતા બેનર્જી પાયાવિહોણા આરોપો લગાવીને વિપક્ષી એકતાને નબળી પાડી રહ્યા છે.
ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ
પશ્ચિમ બંગાળની 294 બેઠકો માટે 23 એપ્રિલ અને 29 એપ્રિલ એમ બે તબક્કામાં મતદાન થવાનું છે, જ્યારે 4 મેના રોજ પરિણામ જાહેર થશે. એકબાજુ મમતા બેનર્જી અને બીજી તરફ એમ.કે. સ્ટાલિનને ગઠબંધનના નેતા તરીકે રજૂ કરવાની હોડ જામી છે, ત્યારે આ આંતરિક કલહનો સીધો ફાયદો ભાજપને મળશે કે કેમ તે જોવું રહ્યું.
બંગાળની આ હાઈ-વોલ્ટેજ ચૂંટણી હવે માત્ર ટીએમસી વિરુદ્ધ ભાજપ નથી રહી, પરંતુ ગઠબંધનના સાથીઓ વચ્ચેના અસ્તિત્વની લડાઈ પણ બની ગઈ છે.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
