News of Tuesday, 7th April 2026
વિયેતનામના 'શી જિનપિંગ'નો ઉદય: શું તો લામ બદલશે એશિયાનું રાજકારણ?
સામૂહિક નેતૃત્વની પરંપરાને તિલાંજલિ આપી સત્તાના તમામ સૂત્રો પોતાના હાથમાં લેતા તો લામ: ભારત માટે દક્ષિણ ચીન સાગરમાં મજબૂત મિત્ર કે નવો પડકાર?

હનોઈ : વિયેતનામના રાજકીય ઇતિહાસમાં એક યુગનો અંત આવ્યો છે અને 'તો લામ' યુગનો પ્રારંભ થયો છે. દેશની રાષ્ટ્રીય સભાએ બિનહરીફ રીતે તો લામને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટીને તેમને વિયેતનામના સૌથી શક્તિશાળી વ્યક્તિ બનાવી દીધા છે. હવે તેમની પાસે કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી અને દેશના રાષ્ટ્રપતિ એમ બંને મુખ્ય પદો છે. આ પરિવર્તન વિયેતનામની વર્ષો જૂની 'ચાર સ્તંભ' વાળી સત્તા વહેંચણીની વ્યવસ્થાને તોડે છે અને તેમને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની હરોળમાં લાવીને ઉભા રાખે છે. આ ઘટનાક્રમ એશિયામાં શક્તિના સંતુલનને નવી દિશા આપી શકે છે.
તો લામની સત્તા સુધીની સફર કોઈ હાઈ-વોલ્ટેજ ડ્રામા જેવી રહી છે. એક સામાન્ય પોલીસ અધિકારીથી શરૂ કરીને જાહેર સુરક્ષા મંત્રી અને હવે સર્વોચ્ચ નેતા સુધી પહોંચવા માટે તેમણે "બ્લેઝિંગ ફર્નેસ" (Blazing Furnace) નામની ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો. આ ઝુંબેશ હેઠળ તેમણે અનેક શક્તિશાળી વિરોધીઓને પદભ્રષ્ટ કર્યા અને જનતામાં પોતાની પકડ મજબૂત કરી. આજે તેઓ વિયેતનામને માત્ર સસ્તી મજૂરીવાળો દેશ મટાડીને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માંગે છે, જેના માટે તેઓ સરકારી માળખામાં મોટા પાયે સુધારા કરી રહ્યા છે.
ભારત માટે તો લામનો ઉદય વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને તુરંત અભિનંદન આપીને ભારત-વિયેતનામ મિત્રતાના નવા અધ્યાયનો સંકેત આપ્યો છે. વિયેતનામ દક્ષિણ ચીન સાગરમાં ચીનના પ્રભુત્વને રોકવા માટે ભારતનું મજબૂત સાથી રહ્યું છે. જો તો લામ ચીની મોડેલ અપનાવે છે, તો શું તેઓ ચીન પ્રત્યે નરમ વલણ અપનાવશે કે પછી ભારત સાથે મળીને 'એક્ટ ઈસ્ટ' પોલિસીને વધુ વેગ આપશે? લામનું ભારત સાથેનું સંરક્ષણ અને વેપારી જોડાણ આવનારા સમયમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સુરક્ષા નક્કી કરશે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
