News of Tuesday, 7th April 2026
બેંકિંગ ક્ષેત્રમાં મોટો ભૂકંપ: કોટક મહિન્દ્રા બેંકના અધિકારીઓ EDની રડારમાં
સરકારી ફિક્સ્ડ ડિપોઝિટના નાણાં ખાનગી કંપનીઓને લોન તરીકે વહેંચવાનું વ્યવસ્થિત રેકેટ ઝડપાયું : કરોડોના કૌભાંડમાં તપાસ એજન્સીએ ECIR દાખલ કરતા બેંકિંગ આલમમાં મચ્યો ખળભળાટ

ચંદીગઢ : ચંદીગઢમાં સરકારી નાણાં સાથે રમત રમવાનું એક અત્યંત ચોંકાવનારું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ઇડીએ કોટક મહિન્દ્રા બેંક અને તેના વગદાર અધિકારીઓ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ દાખલ કરીને તપાસનો ગાળિયો મજબૂત બનાવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે બેંકમાં એક સંગઠિત ગેંગ કાર્યરત હતી, જે સરકારી ફિક્સ્ડ ડિપોઝિટ નો ઉપયોગ કાયદાકીય મંજૂરી વગર ખાનગી પક્ષોને નાણાં પૂરા પાડવા માટે કરતી હતી. આ કાર્યવાહીને પગલે માત્ર બેંકિંગ સેક્ટરમાં જ નહીં, પણ સરકારી વર્તુળોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
આ કૌભાંડની કાર્યપદ્ધતિ કોઈ ફિલ્મી પ્લોટ જેવી જટિલ છે. બેંકના અધિકારીઓ ઊંચા વ્યાજ દરની લાલચ આપીને સરકારી વિભાગોની થાપણો મેળવતા હતા અને ત્યારબાદ આ જ નાણાંનો ઉપયોગ ત્રીજી પાર્ટી અથવા ખાનગી કંપનીઓને ગેરકાયદેસર લોન આપવા માટે કરતા હતા. આ પ્રક્રિયામાં વ્યાજના તફાવત અને 'કમિશન' દ્વારા અધિકારીઓએ વ્યક્તિગત રીતે કરોડોની કમાણી કરી હોવાની આશંકા છે. શરૂઆતમાં કેટલીક કંપનીઓએ લોન પરત કરી દેતા આ કાળો કારોબાર છૂપો રહ્યો હતો, પરંતુ જ્યારે કેટલીક કંપનીઓ ડિફોલ્ટ થઈ અને સરકારી નાણાં ફસાયા, ત્યારે આ આખું રેકેટ પત્તાની મહેલની જેમ ધરાશાયી થવા લાગ્યું.
હાલમાં ED દ્વારા તમામ બેંક ખાતાઓ, શંકાસ્પદ દસ્તાવેજો અને વ્યવહારોની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે. જે રીતે સરકારી ભંડોળનો વ્યક્તિગત નફા માટે દુરુપયોગ થયો છે, તે દેશની બેંકિંગ સુરક્ષા પર મોટા સવાલિયા નિશાન ઊભા કરે છે. આવનારા દિવસોમાં આ કેસમાં અનેક મોટા માથાની ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા છે. આ કૌભાંડ માત્ર નાણાકીય અનિયમિતતા નથી, પરંતુ રોકાણકારો અને જનતાના વિશ્વાસ સાથે થયેલો મોટો વિશ્વાસઘાત છે. જો આરોપો સાબિત થશે, તો આ આધુનિક ભારતના બેંકિંગ ઇતિહાસના સૌથી મોટા કૌભાંડોમાંનું એક ગણાશે.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
