<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

શિક્ષણના નામે છેતરપિંડીનું સામ્રાજ્ય: અલ-ફલાહ યુનિવર્સિટીના ચેરમેન સામે EDનો સકંજો

દિલ્હીના લાલ કિલ્લા વિસ્ફોટના તાર આ યુનિવર્સિટી સાથે જોડાયા બાદ તપાસ તેજ બની: જામિયા નગરથી લઈને ફરીદાબાદ સુધીની કરોડોની સંપત્તિ હવે સરકાર હસ્તક

ફરીદાબાદ: ઇડી એ અલ-ફલાહ ગ્રુપના ચેરમેન જવાદ અહેમદ સિદ્દીકી સામે લાલ આંખ કરી છે. મની લોન્ડરિંગના ગંભીર કેસમાં કાર્યવાહી કરતા તપાસ એજન્સીએ સિદ્દીકીની વધુ ₹39.45 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ જપ્તીમાં દિલ્હીના પ્રતિષ્ઠિત જામિયા નગરમાં આવેલું એક વૈભવી ઘર, ફરીદાબાદના ધૌજ વિસ્તારની વિશાળ ખેતીની જમીન અને લાખોના બેંક બેલેન્સ તેમજ ફિક્સ્ડ ડિપોઝિટનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ED દ્વારા યુનિવર્સિટીની અંદાજે ₹140 કરોડની ઈમારતો અને જમીન ટાંચમાં લેવામાં આવી હતી, જે આ કૌભાંડની વિશાળતા દર્શાવે છે.

આ સમગ્ર મામલાનો વળાંક ત્યારે આવ્યો જ્યારે 10 નવેમ્બર, 2025 ના રોજ દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં થયેલા ભયાનક વિસ્ફોટની તપાસ શરૂ થઈ. તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓને જાણવા મળ્યું કે યુનિવર્સિટીમાં કામ કરતા કેટલાક તબીબો અને કર્મચારીઓના તાર શંકાસ્પદ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા. આ "વ્હાઈટ કોલર ટેરર" મોડ્યુલની તપાસ દરમિયાન સામે આવ્યું કે યુનિવર્સિટીના ફંડનો ઉપયોગ શંકાસ્પદ વ્યવહારોમાં કરવામાં આવતો હતો. સિદ્દીકી પર આરોપ છે કે તેણે યુનિવર્સિટીના નાણાંનો અંગત લાભ માટે ઉપયોગ કર્યો અને તેના પરિવારના સભ્યોના નામે વિદેશમાં પણ કરોડોનું ફંડ ટ્રાન્સફર કર્યું હતું.

શિક્ષણ જગતને કલંકિત કરતા આ કેસમાં વિદ્યાર્થીઓ સાથે થયેલી છેતરપિંડી સૌથી મોટો મુદ્દો છે. જવાદ અહેમદ સિદ્દીકીએ પોતાની શૈક્ષણિક સંસ્થાઓ પાસે યોગ્ય માન્યતા ન હોવા છતાં ખોટી માહિતી આપી હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે યુનિવર્સિટીએ ૨૦૧૮ થી ૨૦૨૫ વચ્ચે વિદ્યાર્થીઓ પાસેથી અંદાજે ₹૪૯૩ કરોડ જેટલી ફી ઉઘરાવી હતી, જે ગુનાની કમાણી  માનવામાં આવે છે. હાલમાં સિદ્દીકી જેલના સળિયા પાછળ છે અને કોર્ટે તેને ન્યાયિક કસ્ટડીમાં રાખવા આદેશ આપ્યો છે, ત્યારે આ જપ્તી બાદ યુનિવર્સિટીના ભાવિ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે.

(6:23 PM IST)