News of Tuesday, 7th April 2026
ટ્રમ્પના અલ્ટીમેટમની મુદ્દત પૂર્ણ થવાના ગણતરીના કલાકો બાકી : ઇરાની રાષ્ટ્રપતિની રણકસીંગુ ફૂંકતી ગર્જના - 'દેશ કાજે ૧.૪૦ કરોડ ઇરાનીઓ જાન કુરબાન કરવા તૈયાર'
પાવર પ્લાન્ટ્સ અને બ્રિજ તોડી પાડી ઇરાનને 'પાષાણ યુગ' માં ધકેલી દેવાની અમેરિકી ધમકી સામે મસૂદ પેઝેશકિયાનનો વળતો પ્રહાર : હુમલા રોકવા વીજ મથકોની આસપાસ યુવાનો અને કલાકારોની 'માનવ સાંકળ' બનાવવાનો વ્યૂહ

તેહરાન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇરાનને આપવામાં આવેલા અત્યંત કડક અલ્ટીમેટમની સમયમર્યાદા હવે ગણતરીના કલાકોમાં પૂર્ણ થવા જઈ રહી છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં યુદ્ધના ભયંકર એંધાણ વર્તાઈ રહ્યા છે. મંગળવારે રાત્રે ૮ વાગ્યા (અમેરિકી સમય મુજબ) પછી મધ્ય પૂર્વમાં શું થશે તેના પર દુનિયાની નજર છે. આ તંગદિલી વચ્ચે ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું છે કે ઇરાન કોઈ પણ કિંમતે ઝૂકવા તૈયાર નથી. તેમણે જણાવ્યું કે ૧ કરોડ ૪૦ લાખથી વધુ ગૌરવશાળી ઇરાનીઓ દેશની રક્ષા માટે બલિદાન આપવા તત્પર છે અને તેઓ પોતે પણ આ યાદીમાં સામેલ છે.
**ટ્રમ્પની 'પાષાણ યુગ'માં ધકેલી દેવાની ભયાનક ચેતવણી:**
ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને સીધી ચેતવણી આપતા જણાવ્યું છે કે જો નિર્ધારિત સમય સુધીમાં ઇરાન વાટાઘાટોની મેજ પર નહીં આવે, તો તેના તમામ પુલ અને પાવર પ્લાન્ટ્સ નષ્ટ કરી દેવામાં આવશે. ટ્રમ્પના શબ્દોમાં, "ઇરાને ૭ દિવસની મહોલત માંગી હતી, મેં તેમને ૧૦ દિવસ આપ્યા. આવતીકાલ સવારના ૮ વાગ્યા (ઈસ્ટર્ન ટાઈમ) પછી તેમની પાસે કોઈ પાવર પ્લાન્ટ કે બ્રિજ બાકી નહીં રહે અને તેઓ પાષાણ યુગમાં ધકેલાઈ જશે." અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે એક જ રાતમાં આખા દેશ પર કબજો કરી શકાય છે અને તે રાત કદાચ આજની જ હોઈ શકે છે.
**હુમલા સામે 'માનવ ઢાલ'નો ઇરાની પ્લાન:**
અમેરિકી પ્રહારથી બચવા માટે ઇરાને એક અનોખો વ્યૂહ અપનાવ્યો છે. ઇરાનના રમતગમત મંત્રી અલીરેઝા રહીમીએ દેશના રમતવીરો, કલાકારો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આહવાન કર્યું છે કે જે પાવર પ્લાન્ટ્સ પર અમેરિકા હુમલો કરવાની ધમકી આપી રહ્યું છે, તેની આસપાસ 'માનવ સાંકળ' (Human Chain) બનાવવામાં આવે. મંગળવારે બપોરે ૨ વાગ્યાથી જ લોકોને પાવર પ્લાન્ટ્સ પાસે એકઠા થવા સૂચના અપાઈ છે. રહીમીએ વિડિયો સંદેશમાં જણાવ્યું કે, "આ આપણી સંપત્તિ છે અને તેની રક્ષા કરવી આપણી જવાબદારી છે. અમે જીવ આપી દઈશું પણ દેશ પર કબજો કરવા દઈશું નહીં."
**પાંચમાં સપ્તાહમાં પ્રવેશેલું ભીષણ યુદ્ધ:**
અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલો આ સંઘર્ષ હવે પાંચમા સપ્તાહમાં પહોંચ્યો છે. અત્યાર સુધી સીઝફાયર માટેના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે. ઇરાને અગાઉ જ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ યુદ્ધનો કાયમી અંત ઈચ્છે છે અને હોર્મુઝની સામુદ્રધુની ખોલવા માટે અમેરિકા દબાણ કરી શકે નહીં. બીજી તરફ, ટ્રમ્પના અલ્ટીમેટમનું કાઉન્ટડાઉન શરૂ થઈ જતાં હોવાથી વૈશ્વિક સ્તરે અફરાતફરીનો માહોલ છે અને અખાતી દેશોમાં મોટા પાયે વિનાશની ભીતિ સેવાઈ રહી છે.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
