<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

શનિવારથી રેસકોર્ષના મેદાનમાં ‘માનવ ઉત્‍કર્ષ મહોત્‍સવ'

BAPS સ્‍વામિનારાયણ મંદિર દ્વારા આયોજનઃ પૂ.અપૂર્વમુનિ સ્‍વામી દરરોજ વિવિધ વિષયો પર પારાયણ દ્વારા પ્રત્‍યેક માનવને ઉત્‍કર્ષની અનુભૂતિ કરાવશે માનવ માત્રને ઉપયોગી થાય એવો આ મહોત્‍સવ છેઃ પૂ. અપૂર્વમુનિ સ્‍વામી* રક્‍તદાન કેમ્‍પ, નિઃશુલ્‍ક નિદાન કેમ્‍પ, બાળકો યજ્ઞ કરાવશે

રાજકોટઃ બાપ્‍સ સ્‍વામિનારાયણ મંદિર, રાજકોટ દ્વારા પ્રગટ બ્રહ્મસ્‍વરૂપ મહંતસ્‍વામી મહારાજના આશીર્વાદથી ‘માનવ ઉત્‍કર્ષ મહોત્‍સવ'નું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. આ મહોત્‍સવ આગામી તા૧૧ એપ્રિલ, શનિવાર થી ૧૭ એપ્રિલ, શુક્રવાર દરમિયાન દરરોજ રાત્રે ૮: ૩૦ કલાકે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાશે. 

અકિલાના આંગણે પધારેલા પૂ.અપૂર્વમુનિ સ્‍વામીએ જણાવેલ કે માનવ માત્રને ઉપયોગી થાય એવો આ મહોત્‍સવ છે. માનવ ઉત્‍કર્ષ મહોત્‍સવ દરમિયાન દરરોજ ૩ થી ૧૩ વર્ષ સુધીના બાળકો યજ્ઞ કરાવશે. જેઓનું ગિનિસ બૂક ઓફ વર્લ્‍ડમાં નામ નોંધાયેલ છે. દરરોજ રક્‍તદાન કેમ્‍પ તેમજ નિઃશુલ્‍ક નિદાન કેમ્‍પનું પણ આયોજન કરવામાં આવેલ છે. બાપ્‍સના વરીષ્‍ઠ સંતો તેમજ સાળંગપુરથી પણ સંતો પધારશે. એઆઈના વિસ્‍યુઅલથી ડાન્‍સ, ડ્રામા પ્રદર્શીત કરવામાં આવશે.

આ મહોત્‍સવમાં બાપ્‍સના આંતરરાષ્ટ્રીય વક્‍તા અને મોટીવેશનલ સ્‍પીકર સંત, પરમ પૂજ્‍ય અપૂર્વમુનિ સ્‍વામી તેમની રસાળ અને ચોટદાર શૈલીમાં દરરોજ વિવિધ વિષયો પર પારાયણ દ્વારા પ્રત્‍યેક માનવને ઉત્‍કર્ષની અનુભૂતિ કરાવશે. આ ૭ દિવસીય કથા-પારાયણમાં આ મુજબના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે.

જેમાં ૧૧ એપ્રિલઃ સંકલ્‍પો સાકાર કરવાના સૂત્રો, ૧૨ એપ્રિલઃ સબ દર્દો કી એક દવા, ૧૩ એપ્રિલઃ આર્ય સંતાનો સાવધાન, ૧૪ એપ્રિલઃ સત્‍ય સનાતન દેશ હૈ મેરા, ૧૫ એપ્રિલઃ પરમાત્‍મા છે તો પ્રશ્નો કેમ?,  ૧૬ એપ્રિલઃ મોજમાં રહે તે માનવ મહોત્‍સવ દરમિયાન અન્‍ય કેટલાક વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.

કથાની પોથીયાત્રાઃ મહોત્‍સવની શરૂઆત પૂર્વે ૧૦ એપ્રિલ, શુક્રવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૩૦ કલાકે રેસકોર્સ મેદાન ખાતે કથાની ભવ્‍ય પોથીયાત્રા યોજાશે.

પારિવારિક શાંતિ યજ્ઞઃ પરિવારની શારીરિક, આર્થિક અને માનસિક સમસ્‍યાઓ દૂર થાય તે માટે દરરોજ સાંજે ૫:૩૦ થી ૭:૩૦ દરમિયાન વૈદિક મંત્રો અને વિધિ-વિધાનો સાથે પારિવારિક યજ્ઞ યોજાશે.

વિરાટ મહિલા સંમેલનઃ ૧૭ એપ્રિલ, શુક્રવારના રોજ સાંજે ૬ થી ૯ કલાકે મહિલાઓ માટે વિશેષ ‘લક્ષ્મણ રેખા' સંમેલન યોજાશે, જેમાં પ્રવચન, સંવાદ અને નૃત્‍ય દ્વારા આધુનિક યુગની લક્ષ્મણ રેખાનું રહસ્‍ય સમજાવવામાં આવશે.

આ મહોત્‍સવમાં પરમ પૂજ્‍ય ઈશ્વરચરણ સ્‍વામી, પરમ પૂજ્‍ય આનંદસ્‍વરૂપ સ્‍વામી, પરમ પૂજ્‍ય નારાયણમુનિ સ્‍વામી, પરમ પૂજ્‍ય અક્ષરચરણ સ્‍વામી, પરમ પૂજ્‍ય જ્ઞાનેશ્વર સ્‍વામી અને પરમ પૂજ્‍ય યજ્ઞપ્રિય સ્‍વામી જેવા બાપ્‍સ સંસ્‍થાના વરિષ્ઠ સંતોના દર્શન અને આશીર્વાદનો અમૂલ્‍ય લાભ પણ પ્રાપ્ત થશે.

માનવ માત્રની સમસ્‍યાઓનું સમાધાન આપતા આ મહોત્‍સવમાં પારાયણ, પ્રેરક પ્રદર્શન અને પવિત્ર પ્રસાદનો લાભ લેવા માટે સમગ્ર સંત-ભક્‍ત મંડળ વતી સાધુ બ્રહ્મતીર્થદાસ (કોઠારી સ્‍વામી) દ્વારા રાજકોટના તમામ ભાવિક ભક્‍તજનોને સહપરિવાર આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને માનવ ઉત્‍કર્ષ મહોત્‍સવનું આમંત્રણ આપતા પૂ.અપૂર્વમુનિ સ્‍વામી નજરે પડે છે. આ પ્રસંગે નિર્મલ ટાંક, વિવેક પરમાર, નયન કલોલા, નવનિત વસાણી, સાગર ચોટલીયા અને કાર્તિક ગેડીયા ઉપસ્‍થિત છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(4:12 PM IST)