News of Sunday, 5th April 2026
વૈશ્વિક તેલ સંકટ વચ્ચે આશાનું કિરણ: હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાના સંકેત : ઓમાન અને ઈરાનની 'ગુપ્ત' બેઠકમાં શું રંધાયું?
અમેરિકાના અલ્ટીમેટમ અને યુદ્ધના ભણકારા વચ્ચે મસ્કત અને તેહરાન વચ્ચે મંત્રી સ્તરની મહત્વની મંત્રણા : દરિયાઈ વેપાર માર્ગને સુરક્ષિત રાખવા માટે રજૂ કરાયા નવા પ્રસ્તાવ : ભારતીય જહાજ 'ગ્રીન આશા' એ સંકટ વચ્ચે પાર કરી સરહદ

મસ્કત: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ પર તોળાઈ રહેલા નાકાબંધીના સંકટ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે રાહતના સમાચાર સામે આવ્યા છે. 4 એપ્રિલ, 2026ના રોજ ઓમાન અને ઈરાન વચ્ચે યોજાયેલી એક અત્યંત ગુપ્ત અને વ્યૂહાત્મક બેઠકે વિશ્વભરના દેશોનું ધ્યાન ખેંચ્યું છે. ઓમાનના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી છે કે બંને દેશોના નાયબ મંત્રીઓ અને દરિયાઈ નિષ્ણાતોએ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા જહાજોની અવરજવરને સરળ બનાવવા માટે ગંભીર ચર્ચા કરી છે. અમેરિકાની કડક ચેતવણીઓ વચ્ચે ઓમાન ફરી એકવાર 'શાંતિદૂત'ની ભૂમિકામાં આવીને ઈરાનને વૈશ્વિક વેપાર માર્ગ ખુલ્લો રાખવા માટે સમજાવવાના પ્રયાસ કરી રહ્યું છે.
આ બેઠક એવા સમયે યોજાઈ છે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની ધમકીએ વૈશ્વિક તેલ બજારમાં હાહાકાર મચાવ્યો હતો. બેઠક દરમિયાન બંને પક્ષોએ અનેક ટેકનિકલ દરખાસ્તો અને નવા વિકલ્પો રજૂ કર્યા છે, જેનો હવે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવશે. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર કરારની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જે રીતે બંને દેશો વાટાઘાટોની મેજ પર આવ્યા છે, તે જોતા નિષ્ણાતો માની રહ્યા છે કે દરિયાઈ માર્ગે થતો તેલ અને ગેસનો પુરવઠો ટૂંક સમયમાં સામાન્ય થઈ શકે છે. ઓમાનની આ મધ્યસ્થી માત્ર ખાડી દેશો માટે જ નહીં, પણ ભારત જેવા ઉર્જા નિર્ભર દેશો માટે પણ સંજીવની સમાન સાબિત થઈ શકે તેમ છે.
દરમિયાન, પશ્ચિમ એશિયાના આ ભયાનક સંકટ વચ્ચે ભારતીય નૌકાદળની સતર્કતા અને તાકાતનો પરચો જોવા મળ્યો છે. રવિવારે ભારતીય ધ્વજવાળું LPG ટેન્કર 'ગ્રીન આશા' આશરે 20,000 ટન ગેસ લઈને સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરવામાં સફળ રહ્યું છે. યુદ્ધની સ્થિતિમાં આ વિસ્તારમાંથી પસાર થનારું આ નવમું ભારતીય જહાજ છે, જે અત્યારે ઈરાની જળસીમામાંથી ભારત તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય નૌકાદળની આ સુરક્ષા કવચ અને ઓમાન-ઈરાન વચ્ચેની આ રાજદ્વારી હલચલ સૂચવે છે કે ગમે તેટલા તણાવ વચ્ચે પણ આર્થિક હિતો જાળવી રાખવા માટે પડદા પાછળના પ્રયાસો તેજ થઈ ગયા છે.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
