News of Sunday, 5th April 2026
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં ભયાનક વળાંક : ઈઝરાયેલે ઈરાનના સૌથી મોટા પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ પર કર્યા સચોટ હવાઈ હુમલા
માહશહર સ્થિત ૫૦થી વધુ પ્લાન્ટ્સ ધરાવતા વિશાળ ઉદ્યોગ જગતની વીજળી અને ગેસ સપ્લાય ઠપ : ઈઝરાયેલી સૈન્યનો દાવો - મિસાઈલ અને વિસ્ફોટકો બનાવવા માટે વપરાતા કેમિકલના કેન્દ્રોને બનાવાયા નિશાન

તેલ અવીવ: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. શનિવારે ઈઝરાયેલી વાયુસેનાએ ઈરાનના અત્યંત મહત્વના ગણાતા માહશહર સ્થિત સૌથી મોટા પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સ પર જોરદાર હુમલો કર્યો છે. આ હુમલાને કારણે સમગ્ર કોમ્પ્લેક્સમાં ઉત્પાદન પ્રક્રિયા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હોવાનું ઈરાનના તેલ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ સ્વીકાર્યું છે.
પાયાની સુવિધાઓને પહોંચાડ્યું નુકસાન
ઈરાની મીડિયા અને અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલે વ્યૂહાત્મક રીતે 'ફજ્ર-૧' અને 'ફજ્ર-૨' નામના બે મુખ્ય યુટિલિટી પ્લાન્ટ્સને નિશાન બનાવ્યા છે. આ પ્લાન્ટ્સ કોમ્પ્લેક્સની અંદર કાર્યરત ૫૦થી વધુ પેટ્રોકેમિકલ એકમોને ગેસ, વીજળી અને ઔદ્યોગિક પાણી જેવી પાયાની જરૂરિયાતો પૂરી પાડતા હતા. તેલ મંત્રાલયના માર્કેટિંગ હેડ હામિદ શમ્સે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, આ હુમલાથી માત્ર ઉદ્યોગોને જ નહીં, પરંતુ ખુઝેસ્તાન પ્રાંતના અંદાજે ૫ લાખ નાગરિકોને મળતા વીજ પુરવઠા પર પણ માઠી અસર પડશે.
ઈઝરાયેલનો તર્ક: શસ્ત્રોના ઉત્પાદનનું કેન્દ્ર
ઈઝરાયેલી સૈન્યએ આ હુમલાની પુષ્ટિ કરતા નિવેદન આપ્યું છે કે, તેમણે એવા પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ પર હુમલો કર્યો છે જે રાસાયણિક હથિયારો, બેલેસ્ટિક મિસાઈલ અને અન્ય વિસ્ફોટકો બનાવવા માટે જરૂરી સામગ્રીનું ઉત્પાદન કરતું હતું. ઈઝરાયેલના મતે આ કેન્દ્રો ઈરાનની સૈન્ય શક્તિ માટે કરોડરજ્જુ સમાન હતા. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાનના સ્ટીલ ઉત્પાદન પ્લાન્ટ્સ, ફાર્માસ્યુટિકલ કેન્દ્રો, એરપોર્ટ અને બંદરો જેવા મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા તેજ કર્યા છે.
આર્થિક અને સામાજિક અસરો
'બંદર ઈમામ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ' તરીકે ઓળખાતું આ કેન્દ્ર ઈરાનનું મુખ્ય આર્થિક હબ છે, જ્યાં દર વર્ષે ૭૨ મિલિયન ટન પેટ્રોકેમિકલ ઉત્પાદનો તૈયાર થાય છે. માહશહર અને બંદર ઈમામ ખોમેની નજીક આવેલું આ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર આસપાસના અંદાજે ૩ લાખ સ્થાનિક રહેવાસીઓ માટે રોજગારીનો મુખ્ય સ્ત્રોત છે. હુમલા બાદ ઉત્પાદન બંધ થતા ઈરાનના અર્થતંત્રને મોટો ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે. હાલમાં આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે અને નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી ચાલુ છે.
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
