તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Sunday, 5th April 2026
ઉત્તર પ્રદેશની દીકરીએ રચ્યો ઈતિહાસ : સાયકલ લઈને એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની દિવ્યા સિંહ
કાઠમંડુથી શરૂ કરીને સતત 14 દિવસ સુધી હિમાલયના પથરાળ રસ્તાઓ અને હાડ થીજવતી ઠંડી વચ્ચે સાયકલિંગ કરી સાહસિક અભિયાન કર્યું પૂર્ણ : કઠિન ચઢાણ વખતે સાયકલ ખભા પર ઊંચકીને પણ આગળ વધી

ગોરખપુર: ઉત્તર પ્રદેશના ગોરખપુરની રહેવાસી દિવ્યા સિંહે અદમ્ય સાહસ અને મક્કમ નિર્ધારનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દિવ્યાએ વિશ્વના સૌથી મુશ્કેલ ગણાતા પહાડી રસ્તાઓ પર સાયકલ ચલાવીને એવરેસ્ટ બેઝ કેમ્પ (EBC) સર કર્યો છે. આ સાથે જ તે સાયકલ દ્વારા આ સિદ્ધિ હાંસલ કરનારી પ્રથમ ભારતીય મહિલા સાયકલિસ્ટ બનીને ઈતિહાસના પાના પર પોતાનું નામ અંકિત કરી દીધું છે.
14 દિવસની કઠિન અને પડકારજનક સફર
દિવ્યા સિંહે પોતાના આ અભિયાનની શરૂઆત નેપાળના કાઠમંડુથી કરી હતી. સમુદ્ર સપાટીથી અંદાજે 5,364 મીટરની ઊંચાઈએ આવેલા એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચવા માટે તેણે 14 દિવસ સુધી સંઘર્ષ કર્યો હતો. હિમાલયના વાંકાચૂંકા અને અત્યંત સીધા ચઢાણવાળા રસ્તાઓ પર તેણે દરરોજ 10 થી 12 કલાક સુધી સાયકલિંગ કર્યું હતું. મુસાફરી દરમિયાન અનેક રસ્તાઓ એટલા પથરાળ અને સાંકડા હતા કે ત્યાં સાયકલ ચલાવવી અશક્ય હતી, આવી સ્થિતિમાં દિવ્યાએ હિંમત હાર્યા વગર પોતાની સાયકલ ખભા પર ઊંચકીને પગપાળા ચઢાણ ચાલુ રાખ્યું હતું.
કુદરતી અવરોધો સામે જંગ
જેમ જેમ ઊંચાઈ વધતી ગઈ તેમ તેમ ઓક્સિજનનું સ્તર ઘટતું ગયું, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ અને 'એલ્ટિટ્યુડ સિકનેસ'નું જોખમ વધી ગયું હતું. માઈનસ ડિગ્રી તાપમાન, હાડ થીજવી દેતા પવન અને પહાડોના અનિશ્ચિત હવામાન વચ્ચે પણ દિવ્યાએ પોતાની શારીરિક ક્ષમતા અને માનસિક મજબૂતીનો પરિચય આપ્યો હતો. એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચવું એ સામાન્ય ટ્રેકર્સ માટે પણ મુશ્કેલ હોય છે, ત્યારે સાયકલ સાથે આ સફર પૂર્ણ કરવી એ અસાધારણ સ્ટેમિના અને ચોક્કસ આયોજનનું પરિણામ છે.
તિરંગો લહેરાવી દેશનું ગૌરવ વધાર્યું
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં આ ઐતિહાસિક પળના દ્રશ્યો કેદ થયા છે. એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચીને દિવ્યા સિંહે ગૌરવભેર ભારતનો ત્રિરંગો લહેરાવ્યો હતો. આ ભાવુક ક્ષણે તેની આંખોમાં સફળતાનો સંતોષ સ્પષ્ટ દેખાતો હતો. આ સિદ્ધિ બદલ દિવ્યા પર સોશિયલ મીડિયાના માધ્યમથી અભિનંદન વર્ષા થઈ રહી છે. તેના વતન ગોરખપુરમાં પણ ભારે ઉત્સાહનો માહોલ છે. દિવ્યાની આ સફળતા દેશના લાખો યુવા એથ્લેટ્સ અને સાહસિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવતી મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
