<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

તુર્કીનો ઈરાન-અમેરિકા જંગમાં પ્રવેશ? F-15 તોડી પાડવાના આરોપો પર અંકારાએ તોડ્યું મૌન : મિસાઈલ સપ્લાયના દાવા પર આપ્યો જડબાતોડ જવાબ

નાટો સભ્ય હોવા છતાં ઈરાનને ગુપ્ત મદદના અહેવાલોથી વૈશ્વિક રાજકારણમાં ગરમાવો : મનોવૈજ્ઞાનિક યુદ્ધ અને કાળા પ્રચારનો ભોગ બન્યાનો તુર્કીનો દાવો : શાંતિ દૂત બની રહેવાની નેમ વ્યક્ત કરી

અંકારા:  મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા ભીષણ જંગમાં હવે તુર્કીનું નામ ઉછળતા નવો વળાંક આવ્યો છે. સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય સ્તરે એવા અહેવાલો વહેતા થયા હતા કે અમેરિકાના અત્યંત શક્તિશાળી F-15 ફાઇટર જેટને તોડી પાડવા માટે તુર્કીમાં બનેલી 'મેન-પોર્ટેબલ' એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ આરોપોને પગલે વોશિંગ્ટન અને અંકારા વચ્ચેના સંબંધોમાં તણાવ વધવાની શક્યતા દેખાતા જ તુર્કીએ તાત્કાલિક મૌન તોડ્યું છે. તુર્કીના સેન્ટર ફોર કોમ્બેટિંગ ડિસઇન્ફોર્મેશન દ્વારા જારી કરાયેલા કડક નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અંકારાએ તેહરાનને કોઈ પણ પ્રકારની ઘાતક મિસાઈલ ટેકનોલોજી કે ડ્રોન પૂરા પાડ્યા નથી અને આ તમામ વાતો માત્ર એક ષડયંત્રનો ભાગ છે.

તુર્કી માટે અત્યારે 'સૂડી વચ્ચે સોપારી' જેવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે તે એક તરફ નાટો (NATO) નું મહત્વનું સભ્ય છે અને બીજી તરફ ઈરાન તેનો પડોશી હોવાની સાથે વ્યૂહાત્મક ભાગીદાર પણ છે. અંકારાએ સ્પષ્ટ કર્યું છે કે તે આ સંઘર્ષમાં સંપૂર્ણપણે તટસ્થ છે અને કોઈ પણ પક્ષનો સાથ આપીને પ્રાદેશિક અસ્થિરતા વધારવા માંગતું નથી. જોકે, ઈરાનના દાવાઓ પરિસ્થિતિને વધુ વણસાવી રહ્યા છે. ઈરાની સેનાએ રવિવારે દાવો કર્યો હતો કે તેમણે દક્ષિણ ઇસ્ફહાનમાં અમેરિકાના વધુ ત્રણ વિમાનો, જેમાં બે બ્લેક હોક હેલિકોપ્ટર અને એક C-130 ટ્રાન્સપોર્ટ વિમાન સામેલ છે, તેને તોડી પાડ્યા છે. આ વિમાનો એ જ પાયલોટને બચાવવા માટે આવ્યા હતા જેનું F-15 જેટ અગાઉ ક્રેશ થયું હતું.

એક તરફ તુર્કી પોતાની નિર્દોષતા સાબિત કરી રહ્યું છે, તો બીજી તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમનો પાયલોટ સુરક્ષિત છે. આ વિરોધાભાસી નિવેદનો વચ્ચે તુર્કી પર શંકાની સોય એટલા માટે છે કારણ કે તુર્કીની સૈન્ય ટેકનોલોજી તાજેતરના વર્ષોમાં ઘણી અદ્યતન બની છે. જો તુર્કીની સંડોવણી સાબિત થાય, તો નાટોના સભ્ય દેશો વચ્ચે મોટું વિભાજન પડી શકે છે. હાલમાં તો તુર્કીએ તેને 'મનોવૈજ્ઞાનિક યુદ્ધ' ગણાવીને પોતાનો પક્ષ સ્પષ્ટ રાખ્યો છે, પરંતુ વધતા જતા જંગના જ્વાળાઓમાં તુર્કી ક્યાં સુધી તટસ્થ રહી શકશે તે જોવું રહ્યું.

(6:27 PM IST)