<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

હોર્મુઝની કટોકટી વચ્ચે ભારતનો માસ્ટરસ્ટ્રોક: થારના રણમાંથી નીકળ્યું 'કાળું સોનું': ઇરાન-યુએસ યુદ્ધની અસરો થશે બેઅસર

વૈશ્વિક તેલ સંકટ અને દરિયાઈ માર્ગો બંધ થવાની ભીતિ વચ્ચે ઓઇલ ઇન્ડિયાએ રાજસ્થાનમાં ઉત્પાદન 70% વધાર્યું: વિદેશી નિર્ભરતા ઘટાડવા સરકારની 'થાર યોજના' રણ મેદાનમાં ગેમચેન્જર સાબિત થઈ

નવી દિલ્હી:  પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકાબંધીને પગલે જ્યારે દુનિયા તેલની અછતથી ફફડી રહી છે, ત્યારે ભારતની 'થાર યોજના' આશાનું કિરણ બનીને ઉભરી છે. રાજસ્થાનના જેસલમેર સ્થિત બાઘેવાલા તેલ ક્ષેત્રમાં ઓઇલ ઇન્ડિયાએ આક્રમક વ્યૂહરચના અપનાવીને ક્રૂડ ઉત્પાદનમાં રેકોર્ડબ્રેક વધારો કર્યો છે. જોધપુર સેન્ડસ્ટોન ફોર્મેશનમાં ઉત્પાદન દૈનિક 705 બેરલથી વધીને સીધું 1,202 બેરલ પર પહોંચી ગયું છે, જે દર્શાવે છે કે વિકટ ભૌગોલિક પરિસ્થિતિઓ છતાં ભારત પોતાની ઉર્જા સુરક્ષા માટે આત્મનિર્ભર બની રહ્યું છે.

વ્યૂહાત્મક રીતે જોઈએ તો, આ કાચું તેલ ટેન્કરો મારફતે ગુજરાતના મહેસાણા પ્લાન્ટમાં મોકલવામાં આવે છે અને ત્યાંથી પાઇપલાઇન દ્વારા કોયાલી રિફાઇનરી સુધી પહોંચાડવામાં આવે છે. નાણાકીય વર્ષ 2025-26માં ઓઇલ ઇન્ડિયાએ 43,773 મેટ્રિક ટન તેલનું ઉત્પાદન કરીને જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ઇરાન-યુએસ તણાવને કારણે વૈશ્વિક બજારમાં તેલના ભાવ ભડકે બળી રહ્યા છે, ત્યારે સ્થાનિક ઉત્પાદનમાં થયેલો આ 70% નો ઉછાળો ભારતીય અર્થતંત્ર માટે મજબૂત કવચ સમાન છે. સરકારના આ આયોજનને કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના પુરવઠામાં કોઈ અડચણ ઉભી ન થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવી છે.

સરકારી અધિકારીઓના મતે, 1991માં શોધાયેલ આ તેલ ક્ષેત્ર અત્યાર સુધી પડકારજનક માનવામાં આવતું હતું, પરંતુ આધુનિક ટેકનોલોજી અને નવા 13 કુવાઓના ખોદકામથી પરિણામો બદલાઈ ગયા છે. પેટ્રોલિયમ મંત્રાલયે ખાતરી આપી છે કે દેશની રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતાથી ચાલી રહી છે અને ક્રૂડ ઓઇલનો ભંડાર સુરક્ષિત છે. થારના રણમાંથી નીકળતું આ તેલ માત્ર આંકડો નથી, પણ ઇન્ટરનેશનલ સપ્લાય ચેઇન ખોરવાય ત્યારે ભારતની લડાયક શક્તિનું જીવંત ઉદાહરણ છે, જે પાકિસ્તાન અને વિયેતનામ જેવા દેશોની સરખામણીએ ભારતને વધુ સ્થિર સ્થિતિમાં રાખે છે.

(6:25 PM IST)