<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

દુશ્મનોના બંકરો હવે મિનિટોમાં થશે રાખ: વાયુસેના ભાથામાં આવશે 1000 કિલોનો સ્વદેશી ‘મહાબલી’ બોમ્બ!

અમેરિકાના ‘માર્ક-84’નો ગર્વ ઓગળશે: ભારતે તૈયાર કર્યું એવું ‘ઘાતક’ હથિયાર કે રશિયન અને વેસ્ટર્ન બંને ફાઈટર જેટથી કરી શકાશે પ્રહાર!

નવી દિલ્હી:ભારતીય વાયુસેના (IAF) હવે આકાશમાં વધુ શક્તિશાળી બનવા જઈ રહી છે. વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન હેઠળ સંરક્ષણ મંત્રાલયે અમેરિકાના અત્યંત શક્તિશાળી ‘માર્ક-84’ (Mk-84) ને ટક્કર આપે તેવા 1000 કિલોના સ્વદેશી એરિયલ બોમ્બ બનાવવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે. આ બોમ્બ તૈયાર થતા જ ભારતની વિદેશી કંપનીઓ પરની નિર્ભરતા ઘટશે અને ભારત પોતાની તાકાતથી જ દુશ્મનોના પતરાં ફાડી નાખશે.
કેમ આ બોમ્બને ‘મહાબલી’ કહેવામાં આવે છે?
 * ચોકસાઈનો પરચો: આ બોમ્બ લાંબી રેન્જમાં સચોટ નિશાન સાધવા માટે સક્ષમ છે. તે ખાસ કરીને દુશ્મનોના ભૂગર્ભ બંકરો, એરફિલ્ડ અને કોંક્રિટના મજબૂત બાંધકામોને તોડી પાડવા માટે બનાવવામાં આવ્યો છે.
 * ગમે તે વિમાનમાં ફિટ: આ બોમ્બની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સુખોઈ (રશિયન) અને રાફેલ કે મિરાજ (વેસ્ટર્ન) એમ બંને પ્રકારના ફાઈટર જેટ્સમાં સરળતાથી ફીટ કરી શકાશે.
 * વિનાશક ક્ષમતા: 1000 કિલોગ્રામનો આ બોમ્બ જ્યારે લક્ષ્ય પર પડે છે, ત્યારે તે પ્રચંડ બ્લાસ્ટની સાથે હવામાં ધાતુના એવા ટુકડાઓ ફેલાવે છે કે આસપાસનું બધું જ તબાહ થઈ જાય છે.
અમેરિકાને આપશે સીધી ટક્કર
અત્યાર સુધી ભારત આ કેટેગરીના બોમ્બ માટે વિદેશી કંપનીઓ પર નિર્ભર હતું. અમેરિકાનો Mk-84 બોમ્બ તેની કેટેગરીમાં શ્રેષ્ઠ ગણાય છે, પણ હવે ભારતનો આ સ્વદેશી બોમ્બ તેને બરાબરની ટક્કર આપશે. સંરક્ષણ મંત્રાલયે આ માટે 600 બોમ્બની ખરીદી કરવાની યોજના બનાવી છે, જે ભારતની સંરક્ષણ ક્ષમતામાં અનેકગણો વધારો કરશે.

ભારતીય વાયુસેનામાં આ નવા હથિયારોના સમાવેશથી સરહદી વિસ્તારો અને દરિયાકાંઠાની સુરક્ષા વધુ મજબૂત બનશે. મેક-ઈન-ઈન્ડિયા અંતર્ગત આ પ્રોજેક્ટ આગામી 2-3 વર્ષમાં પૂર્ણ થવાની આશા છે, જે ભારતીય સેનાના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખશે.

(4:13 PM IST)