તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
હોર્મુઝની સમુદ્રધૂનીમાં ભારતીય જહાજોનો સુરક્ષિત પ્રવાસ: ગેસ ટેન્કર 'ગ્રીન આશા' એ સંકટ વચ્ચે દરિયો ખેડ્યો
પશ્ચિમ એશિયામાં ભભૂકતા યુદ્ધ અને ઈરાનના કડક નિયંત્રણો છતાં નવમું ભારતીય જહાજ સફળતાપૂર્વક પસાર થયું, LPGની અછતની અફવાઓ વચ્ચે હજારો ટન ગેસનો જથ્થો ભારત પહોંચતા મોટી રાહત, ભારતીય નૌકાદળના યુદ્ધજહાજો હાઈ-એલર્ટ પર

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભયાનક સંઘર્ષ અને ઈરાન-ઇઝરાયલ વચ્ચેના તણાવની વચ્ચે ભારત માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. વિશ્વના સૌથી સંવેદનશીલ અને મહત્વપૂર્ણ તેલ પુરવઠા માર્ગ ગણાતી 'હોર્મુઝની સ્ટ્રેટ' (Hormuz Strait) ને ભારત સાથે જોડાયેલું ગેસ ટેન્કર 'ગ્રીન આશા' સુરક્ષિત રીતે પાર કરી ગયું છે. આ એક LPG ટેન્કર છે, જે UAEના જબલ અલ જન્નાહ બંદરથી નીકળીને ભારત તરફ આગળ વધી રહ્યું છે. દેશમાં રાંધણ ગેસની અછત સર્જાવાની અફવાઓ વચ્ચે આ જહાજનું સુરક્ષિત ટ્રાન્ઝિટ ભારતીય ઊર્જા બજાર માટે એક શુભ સંકેત માનવામાં આવે છે. નોંધનીય છે કે ૨૮ ફેબ્રુઆરીના રોજ થયેલા હવાઈ હુમલાઓ બાદ ઈરાને આ માર્ગ પર પોતાનું વર્ચસ્વ વધાર્યું છે, તેમ છતાં ભારતીય જહાજોએ આ પડકારજનક રૂટ પર પોતાનો પ્રવાસ ચાલુ રાખ્યો છે.
સંઘર્ષ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં હોર્મુઝની સ્ટ્રેટમાંથી પસાર થનાર 'ગ્રીન આશા' નવમું ભારતીય જહાજ બન્યું છે. અગાઉ પણ જગ વસંત, એમટી શિવાલિક અને એમટી નંદા દેવી જેવા મહાકાય જહાજોએ લાખો ટન ગેસ અને ક્રૂડ ઓઈલનો જથ્થો ગુજરાતના મુન્દ્રા અને કંડલા બંદર પર સુરક્ષિત રીતે પહોંચાડ્યો છે. ભારતીય નૌકાદળના અત્યાધુનિક યુદ્ધજહાજો આ વેપારી જહાજોની સુરક્ષા માટે સમુદ્રમાં 'સ્ટેન્ડબાય' મોડ પર છે, જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય. આ માર્ગે પસાર થતા જહાજોના આંકડા મુજબ, તાજેતરમાં જ ગ્રીન સાનવીએ પણ ૪૬,૬૫૦ મેટ્રિક ટન ગેસ સાથે આ જોખમી કોરિડોર સફળતાપૂર્વક પાર કર્યો છે, જે ભારતની મજબૂત ડિપ્લોમસી અને શિપિંગ ક્ષમતા દર્શાવે છે.
ઈરાન સાથેના રાજદ્વારી સંબંધોને કારણે ભારત આ માર્ગે સુરક્ષિત પરિવહન સુનિશ્ચિત કરી શક્યું છે. ઈરાને આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટ કર્યું છે કે તેઓ યુએસ અથવા ઇઝરાયલ સાથે જોડાયેલા જહાજોને આ રૂટ પર મંજૂરી આપશે નહીં, પરંતુ બિન-પ્રતિકૂળ રાષ્ટ્રોના જહાજોને સહયોગ કરશે. જો કે, ભવિષ્યમાં આ સ્થિતિ વધુ ગંભીર બની શકે છે, કારણ કે ઈરાને સંકેત આપ્યો છે કે તે હોર્મુઝ ઉપરાંત 'બાબ અલ-મંડેબ' જેવા અન્ય મહત્વના દરિયાઈ માર્ગો પર પણ દબાણ વધારી શકે છે. વિશ્વના કુલ તેલ, ગેસ અને ખાતરના પુરવઠાનો મોટો હિસ્સો આ માર્ગો પર નિર્ભર છે, તેથી પશ્ચિમ એશિયાનું યુદ્ધ જો લાંબુ ખેંચાશે તો વૈશ્વિક પુરવઠા શૃંખલા સામે મોટું જોખમ ઉભું થઈ શકે છે. હાલમાં ભારત તમામ પરિસ્થિતિઓ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
