<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

ગોલ્ડ લોન લેતા પહેલા સાવધાન: લાલચમાં આવીને સોનું ગુમાવવાનો વારો ન આવે તેનું રાખજો ધ્યાન

ઝડપી રોકડની લાલચમાં છુપા જોખમોને નજરઅંદાજ કરવા પડી શકે છે ભારે, વ્યાજ દરોની માયાજાળ અને હરાજીની શરતો બરાબર ન સમજાય તો વડવાઓના મૂલ્યવાન ઘરેણાંથી હંમેશ માટે હાથ ધોવા પડશે

નવી દિલ્‍હીઃ જ્યારે અચાનક નાણાકીય કટોકટી આવી પડે ત્યારે ગોલ્ડ લોન સૌથી સરળ અને ઝડપી વિકલ્પ તરીકે ઉભરી આવે છે, પરંતુ આ સરળતા પાછળ અનેક નાણાકીય જોખમો છુપાયેલા હોય છે જે સામાન્ય રીતે ગ્રાહકોની નજરમાં આવતા નથી. ગોલ્ડ લોનમાં ચુકવણીની પદ્ધતિઓ અન્ય લોન કરતા ઘણી અલગ હોય છે. કેટલાક કિસ્સામાં ગ્રાહકે દર મહિને માત્ર વ્યાજ ચૂકવવાનું હોય છે અને લોનની મુદત પૂરી થતા આખી રકમ એકસાથે ભરવાની હોય છે. આ છેલ્લી ઘડીએ મોટી રકમની વ્યવસ્થા ન થઈ શકવાને કારણે ઘણા લોકો મુશ્કેલીમાં મુકાય છે. જો તમે સમયસર હપ્તા કે રકમ નથી ભરી શકતા, તો બેંક કે ફાઈનાન્સ કંપનીને તમારા ગીરવે મુકેલા સોનાની જાહેરમાં હરાજી કરવાનો કાનૂની અધિકાર છે, જેનાથી પેઢી દર પેઢી સાચવેલું સોનું ક્ષણવારમાં તમારા હાથમાંથી જતું રહે છે.

બીજું મોટું જોખમ વ્યાજ દરો અને છુપા ખર્ચાઓનું છે. ઉપરછલ્લી રીતે જોતા ગોલ્ડ લોનના વ્યાજ દર ઓછા લાગે છે, પરંતુ તેમાં પ્રોસેસિંગ ફી, ગોલ્ડ વેલ્યુએશન ફી અને અન્ય વહીવટી ચાર્જ ઉમેરવામાં આવતા હોય છે. આ ઉપરાંત, જો વ્યાજની ગણતરી ચક્રવૃદ્ધિ રીતે કરવામાં આવે, તો લોનની કુલ રકમ ધાર્યા કરતા ઘણી વધી જાય છે. આરબીઆઈના નિયમ મુજબ સોનાની કિંમતના માત્ર 75 ટકા સુધી જ લોન મળી શકે છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઘટે, તો બેંક તમારી પાસે વધારાના નાણાં અથવા વધુ સોનું ગીરવે મુકવા માંગણી કરી શકે છે. જો તમે આ 'માર્જિન મની' આપવામાં નિષ્ફળ જાઓ, તો તમારા સોના પર જોખમ વધી જાય છે અને બેંક તે વેચીને પોતાના નાણાં વસૂલ કરી શકે છે.

ગોલ્ડ લોન લેતી વખતે લોન આપનાર સંસ્થાની વિશ્વસનીયતા તપાસવી પણ એટલી જ જરૂરી છે. ઘણી વખત બિનસત્તાવાર કે નાની નાણાકીય સંસ્થાઓ સોનાની સુરક્ષા બાબતે પૂરતી ખાતરી આપતી નથી. નિષ્ણાતો સલાહ આપે છે કે માત્ર જરૂરિયાત પૂરતી જ લોન લેવી જોઈએ અને ચુકવણીની યોજના અગાઉથી નક્કી કરી લેવી જોઈએ. લોન લેતા પહેલા એગ્રીમેન્ટના ઝીણા અક્ષરે લખેલા નિયમો અને શરતો વાંચવી અનિવાર્ય છે, જેથી ભવિષ્યમાં કોઈ કાનૂની ગૂંચવણ ઉભી ન થાય. આજના સમયમાં જ્યારે સોનાના ભાવ આસમાને છે, ત્યારે ઉતાવળમાં લીધેલો એક ખોટો નિર્ણય તમારા આર્થિક ભવિષ્યને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, 'ઝટપટ લોન' ના સ્લોગન પાછળ દોડતા પહેલા તમારી આર્થિક ક્ષમતાનો અંદાજ કાઢવો હિતાવહ છે.

(4:06 PM IST)