<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

૪૦ વર્ષના પતિ સાથે રહેવા ૧૯ વર્ષની પત્નીનો ઈનકાર: હાઈકોર્ટે પ્રેમી સાથે રહેવાની આપી પરવાનગી

૨૧ વર્ષના ઉંમરના તફાવત અને લગ્નજીવનમાં કડવાશને કારણે યુવતીએ લીધો મોટો નિર્ણય, ગ્વાલિયર હાઈકોર્ટે 'પુખ્ત વયના અધિકાર'ને માન્ય રાખી પ્રેમી અનુજ સાથે નવી જીંદગી શરૂ કરવા આપી લીલી ઝંડી

ગ્વાલિયર : મધ્યપ્રદેશની ગ્વાલિયર હાઈકોર્ટમાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કાયદાએ માનવીય સંવેદનાઓ અને વ્યક્તિગત સ્વતંત્રતાને સર્વોપરી ગણી છે. ૪૦ વર્ષના પતિ અવધેશએ પોતાની ૧૯ વર્ષની પત્નીને પ્રેમી અનુજ કુમારના ચુંગાલમાંથી છોડાવવા માટે 'હેબિયસ કોર્પસ' અરજી દાખલ કરી હતી. જોકે, જ્યારે જસ્ટિસ આનંદ પાઠક અને જસ્ટિસ પુષ્પેન્દ્ર યાદવની બેંચ સમક્ષ યુવતીને રજૂ કરવામાં આવી, ત્યારે વાર્તા આખી પલટાઈ ગઈ હતી. યુવતીએ કોર્ટમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તે પુખ્ત છે અને પોતાની મરજીથી પ્રેમી સાથે રહેવા માંગે છે. પતિ સાથેના ૨૧ વર્ષના લાંબા ઉંમરના તફાવત અને સાસરીમાં થતા ખરાબ વ્યવહારને કારણે તેણે હવે પતિ કે માતા-પિતા પાસે પાછા ફરવાનો સાફ ઈનકાર કરી દીધો હતો.

અદાલતના આદેશ પર સરકારી વકીલ દ્વારા યુવતીનું લાંબુ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ તે પોતાના નિર્ણય પર મક્કમ રહી હતી. તેણે દલીલ કરી હતી કે ઉંમરના મોટા તફાવતને કારણે તેમના લગ્નજીવનમાં ક્યારેય સુમેળ રહ્યો નથી. બીજી તરફ, પ્રેમી અનુજ કુમારે કોર્ટને ખાતરી આપી હતી કે તે યુવતીની તમામ જવાબદારી ઉઠાવશે અને તેને કોઈ પણ પ્રકારની તકલીફ પડવા દેશે નહીં. હાઈકોર્ટે તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ ચુકાદો આપ્યો કે એક પુખ્ત મહિલાને પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહેવાનો સંપૂર્ણ કાનૂની અધિકાર છે. આ સાથે જ કોર્ટે પતિની અરજી ફગાવી દઈને યુવતીને તેના બોયફ્રેન્ડ સાથે જવાની પરવાનગી આપી હતી.

યુવતીની સુરક્ષા અને ભવિષ્યની સુખાકારી માટે હાઈકોર્ટે એક અભૂતપૂર્વ વ્યવસ્થા પણ કરી છે. આગામી છ મહિના સુધી યુવતીની સલામતી પર નજર રાખવા માટે વકીલ અંજલિ જ્ઞાનાની અને મહિલા કોન્સ્ટેબલ ભાવનાને 'શૌર્ય દીદી' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ અધિકારીઓ સમયાંતરે યુવતીનો સંપર્ક કરશે અને તેને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. ગ્વાલિયરના વન સ્ટોપ સેન્ટરને પણ આદેશ અપાયો છે કે જરૂરી કાગળની કાર્યવાહી પૂર્ણ કરી યુવતીને તત્કાલ મુક્ત કરવામાં આવે. આ ચુકાદાએ સામાજિક માન્યતાઓ અને કાયદાકીય અધિકારો વચ્ચેની પાતળી રેખા પર ફરી એકવાર ચર્ચા જગાવી છે. સિસ્ટમે માત્ર ચુકાદો જ નથી આપ્યો, પરંતુ એક અસહાય યુવતીને રક્ષણ પૂરું પાડીને નવું જીવન શરૂ કરવા માટે હિંમત પણ આપી છે.

(3:46 PM IST)