<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

માનવતા શરમાઈ: ૧૯ વર્ષની પુત્રીના અંતિમ સંસ્કાર માટે પિતાએ ચિતા પર ટાયર અને ડીઝલ હોમવા પડ્યા

શ્રીનગરના અલકેશ્વર ઘાટ પર નફાખોરીની પરાકાષ્ઠા વચ્ચે કરુણ દ્રશ્યો સર્જાયા, સરકારી લાકડાના અભાવે મોંઘા ભાવે ખરીદેલા ભીના લાકડા ન સળગતા લાચાર પરિવારે ભારે હૃદયે પુત્રીને આપી વિદાય

શ્રીનગર : માનવતાને લજવતી અને પથ્થર દિલના માણસને પણ રડાવી દે તેવી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના શ્રીનગરના અલકેશ્વર ઘાટ પર શનિવારે જોવા મળી હતી. વોર્ડ નંબર ૧૨ ની એક ૧૯ વર્ષની નવયુવાન પુત્રીના અકાળે અવસાન બાદ, શોકગ્રસ્ત પરિવાર જ્યારે તેના અંતિમ સંસ્કાર કરવા પહોંચ્યો ત્યારે તેમને કલ્પના પણ નહોતી કે તેમની પીડામાં નફાખોર તત્વો આટલો વધારો કરશે. ઘાટ પર સરકારી લાકડા ઉપલબ્ધ ન હોવાથી પરિવારે ખાનગી યાર્ડમાંથી ત્રણ ક્વિન્ટલ લાકડા ઊંચા ભાવે ખરીદ્યા હતા. જોકે, પૂરેપૂરા પૈસા ચૂકવવા છતાં સંચાલકે ભીના અને કાચા લાકડા પધરાવી દીધા હતા. પરિણામે, પોતાની વ્હાલસોયી પુત્રીની ચિતા સળગાવવા માટે પિતાએ ચાર કલાક સુધી રડતા રડતા સંઘર્ષ કરવો પડ્યો હતો, છતાં ભીના લાકડામાં અગ્નિ પ્રગટી શક્યો નહોતો.

દીકરીના પાર્થિવ દેહને ચિતા પર પડેલો જોઈને લાચાર પરિવારની ધીરજ ખૂટી ગઈ હતી. વારંવારના પ્રયત્નો છતાં જ્યારે અગ્નિ પ્રજ્વલિત ન થયો, ત્યારે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિઓથી વિપરીત જઈને ભારે હૃદયે અત્યંત કઠોર નિર્ણય લેવો પડ્યો હતો. પરિવારે બજારમાંથી ૧૫ લિટર ડીઝલ મંગાવ્યું અને ચિતા પર ૧૦ જેટલા જૂના ટાયર, ટ્યુબ તથા જૂના કપડાં ગોઠવ્યા હતા. ટાયર અને ડીઝલની મદદથી માંડ અગ્નિ પ્રગટાવી શકાયો અને કમનસીબ પુત્રીના અંતિમ સંસ્કાર પૂર્ણ થયા. એક પિતા માટે પોતાની જુવાનજોધ દીકરીને ખભા પર ઉઠાવવાનું દુઃખ તો હતું જ, પણ તેના અંતિમ સંસ્કાર માટે ટાયર અને ડીઝલનો ઉપયોગ કરવો પડે તેવી લાચારીએ ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની કરી દીધી હતી.

આ શરમજનક ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને વહીવટીતંત્ર સામે ફિટકારની વર્ષા થઈ રહી છે. વોર્ડ નંબર ૧૨ ના કાઉન્સિલર શુભમ પ્રભાકરે આ અમાનવીય કૃત્ય બદલ મહાનગરપાલિકાને ઉગ્ર પત્ર લખીને કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે અંતિમ સંસ્કાર જેવા સંવેદનશીલ સમયે પણ નફાખોરી કરી રહેલા લાકડાના વેપારીઓએ માનવતાની હદ વટાવી દીધી છે. શ્રીનગરના આ ઘાટ પર અગાઉ પણ લાકડાની ગુણવત્તા બાબતે ફરિયાદો ઉઠી હતી, પરંતુ આ ૧૯ વર્ષની દીકરીના કિસ્સામાં જે બન્યું તેણે સિસ્ટમની વરવી વાસ્તવિકતા છતી કરી દીધી છે. હવે જોવાનું એ રહે છે કે સત્તાધીશો આ નફાખોરો સામે કેવા પગલાં ભરે છે.

(3:45 PM IST)