News of Sunday, 5th April 2026
અમેરિકાનું હાઈટેક રેસ્ક્યૂ મિશન લોહિયાળ બન્યું: ઈરાને મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાન C-130 તોડી પાડ્યાનો કર્યો દાવો
ઈસ્ફહાનના પહાડી વિસ્તારોમાં ફસાયેલા અમેરિકી પાયલોટને બચાવવા ગયેલા બે બ્લેક હોક હેલિકોપ્ટર અને એક માલવાહક વિમાનના ફુરચા ઉડ્યા, રણ વિસ્તારમાં કાટમાળ અને ધુમાડાના ગોટેગોટા દેખાતા ખળભળાટ

ઈસ્ફહાન: પશ્ચિમ એશિયાના રણમેદાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જેમાં એક પાઇલટને બચાવવા માટે હાથ ધરાયેલું ઓપરેશન અત્યંત ઘાતક સાબિત થયું છે. ઈરાની સૈન્ય કમાન્ડે રવિવારે સત્તાવાર દાવો કર્યો છે કે તેમણે ઈસ્ફહાન શહેર નજીક અમેરિકાના એક વિશાળ લશ્કરી પરિવહન વિમાન C-130 અને બે અત્યાધુનિક 'બ્લેક હોક' હેલિકોપ્ટરને તોડી પાડ્યા છે. આ વિમાનો શુક્રવારે ઈરાન દ્વારા તોડી પડાયેલા F-15E સ્ટ્રાઈક ઈગલ ફાઈટર જેટના ગુમ થયેલા પાઇલટને રેસ્ક્યૂ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. ઈરાની મીડિયાએ રણ વિસ્તારમાં સળગી રહેલા વિમાનના કાટમાળ અને આકાશમાં ઉડતા કાળા ધુમાડાના દ્રશ્યો જાહેર કરતા અમેરિકી સૈન્યની ક્ષમતા સામે અનેક સવાલો ઉભા થયા છે.
આ હાઈ-પ્રોફાઈલ રેસ્ક્યૂ ઓપરેશન અંગે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી છે કે પાયલોટને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ તેના માટે અમેરિકાએ મોટી કિંમત ચૂકવવી પડી છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, પાયલોટ ઈરાનના અત્યંત દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં આશરો લઈ રહ્યો હતો અને તેને બહાર લાવવા માટે ડઝનબંધ વિમાનો કામે લગાડવામાં આવ્યા હતા. જોકે, અમેરિકી સત્તાવાર સૂત્રોએ વિમાનો તોડી પડાયા હોવાને બદલે એવી સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો છે કે ઉતરાણ બાદ ટેકનિકલ ખામીને કારણે વિમાનો ઉડી શકે તેમ ન હોવાથી સૈનિકોએ પોતે જ તેને નષ્ટ કરી દીધા હતા. વાસ્તવિકતા ગમે તે હોય, પરંતુ ઈરાની ભૂમિ પર અમેરિકી સૈન્યના અવશેષો છોડી દેવા પડ્યા તે વોશિંગ્ટન માટે મોટો રાજકીય અને સૈન્ય ઝટકો માનવામાં આવે છે.
ઈરાનનું કહેવું છે કે આ વિમાનો ઈરાની સરહદમાં ઘૂસીને એક કામચલાઉ બેઝ પર ઉતર્યા હતા, જ્યાં તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. અમેરિકા 24 કલાક પાયલોટના લોકેશન પર નજર રાખી રહ્યું હતું અને ભારે સાવચેતીપૂર્વક આ આયોજન કરવામાં આવ્યું હોવા છતાં ઈરાની એર ડિફેન્સ સિસ્ટમે હાઈટેક અમેરિકી મશીનરીને લોખંડના લિબાસમાં બદલી નાખી છે. ઘાયલ પાઇલટ હાલ સુરક્ષિત હોવાનું જણાવાઈ રહ્યું છે, પરંતુ આ ઘટના બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે સીધા ટકરાવની શક્યતા વધુ પ્રબળ બની છે. ઈસ્ફહાનમાં બનેલી આ ઘટના પશ્ચિમ એશિયાના યુદ્ધમાં એક નવો વળાંક લાવી શકે છે, કારણ કે હવે બંને દેશો એકબીજાની સૈન્ય તાકાતને ખુલ્લેઆમ પડકારી રહ્યા છે.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
