<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

ગેસ સિલિન્ડર જેવી સામાન્ય બાબતે થયેલા ગૃહકલેશમાં પરિણીતાએ મોતને વ્હાલ કર્યું: ઔરૈયામાં હચમચાવી દેતી ઘટના

પતિ બજારમાં શાકભાજી લેવા ગયો અને પાછળથી પત્નીએ દુપટ્ટા વડે ફાંસી લગાવી જીવન ટૂંકાવ્યું, દોઢ વર્ષની માસૂમ બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી તો અન્ય એક બનાવમાં પાંચ માસ પૂર્વે પરણેલી યુવતીનું શંકાસ્પદ મોત

ઔરૈયા : ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાં હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં માત્ર ગેસ સિલિન્ડર લાવવા જેવી સામાન્ય ઘરગથ્થુ બાબતના ઝઘડાએ એક મહિલાનો ભોગ લીધો છે. તાજપુર ગામમાં રહેતા મોહિત કુમારની 26 વર્ષીય પત્ની રીના દેવીનો તેના પતિ સાથે ગેસ સિલિન્ડર ન લાવવા અને પશુઓના ઘાસચારા બાબતે ઉગ્ર વિવાદ થયો હતો. આ બોલાચાલી બાદ પતિ જ્યારે બજારમાં શાકભાજી લેવા ગયો, ત્યારે ગુસ્સે ભરાયેલી રીનાએ ઘરના પ્રથમ માળે જઈ પંખા સાથે ફાંસીનો ગાળિયો બનાવી આત્મહત્યા કરી લીધી હતી. પતિ જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે પત્નીને લટકતી હાલતમાં જોઈ સ્તબ્ધ થઈ ગયો હતો. પડોશીઓની મદદથી તેને હોસ્પિટલ ખસેડાઈ હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે કારણ કે મૃતક રીનાને દોઢ વર્ષની માસૂમ દીકરી છે, જેણે હવે કાયમ માટે માતાની મમતા ગુમાવી દીધી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રીનાના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા અને તેનો પતિ પિકઅપ ચલાવીને ગુજરાન ચલાવતો હતો. હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને પિયર પક્ષને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નાની એવી જીદ કે ક્રોધની ક્ષણો કેવી રીતે એક હસતા-રમતા પરિવારને વેરવિખેર કરી શકે છે, આ કિસ્સો તેનું વરવું ઉદાહરણ પૂરું પાડે છે.

બીજી તરફ, ઔરૈયાના જ કાઝીપુર હઝરતપુર ગામમાં અન્ય એક શંકાસ્પદ બનાવમાં 20 વર્ષીય અનુપ્રિયાનો મૃતદેહ પણ ફાંસી પર લટકતી હાલતમાં મળી આવ્યો છે. મહત્વની વાત એ છે કે અનુપ્રિયાના લગ્નને માત્ર પાંચ મહિના જ થયા હતા અને આ ઘટના બાદ તેના સાસરિયાઓ ઘર છોડીને ફરાર થઈ ગયા છે. મૃતક યુવતીના પિયર પક્ષે ગંભીર આક્ષેપ કર્યો છે કે તેમની દીકરીની હત્યા કરીને તેને આત્મહત્યામાં ખપાવવા માટે લટકાવી દેવામાં આવી છે. પોલીસે આ મામલે હત્યા અને આત્મહત્યા એમ બંને દિશામાં તપાસ તેજ કરી છે અને ફરાર સાસરિયાઓની શોધખોળ શરૂ કરી છે.

(1:59 PM IST)