<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

દક્ષિણ ભારતનો ડર દૂર કરશે મોદી: લોકસભા બેઠકોમાં કાપની વાતોને ગણાવી 'પાયાવિહોણી અફવા'

કેરળમાં ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે વડાપ્રધાનની મોટી જાહેરાત: વસ્તી નિયંત્રણ કરનારા રાજ્યોની બેઠકો સુરક્ષિત રહેશે, મહિલા અનામત લાગુ કરવા લોકસભાની બેઠકો ૫૪૩થી વધારીને ૮૧૬ કરવાનું આયોજન અને ૧૬ એપ્રિલે સંસદનું ખાસ સત્ર બોલાવવાની ખાતરી

તિરુવનંતપુરમ:કેરળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના પ્રચાર મેદાનમાં ઉતરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ ભારતના રાજ્યોની સૌથી મોટી ચિંતા પર પૂર્ણવિરામ મૂકતા મહત્વનું નિવેદન આપ્યું છે. તિરુવલ્લા ખાતે આયોજિત એક વિશાળ ચૂંટણી સભાને સંબોધતા મોદીએ સ્પષ્ટ કર્યું કે, જે રાજ્યોએ વસ્તી નિયંત્રણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તેમની લોકસભા બેઠકોમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. તેમણે વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવતી અફવાઓને નકારતા કહ્યું કે કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોની બેઠકો સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. આ સાથે જ તેમણે જાહેરાત કરી કે મહિલાઓને ૩૩ ટકા અનામત આપતા કાયદાના અમલીકરણ માટે આગામી ૧૬ થી ૧૮ એપ્રિલ દરમિયાન સંસદનું ખાસ સત્ર મળશે, જેમાં દેશભરમાં લોકસભાની કુલ બેઠકો ૫૪૩ થી વધારીને ૮૧૬ કરવામાં આવશે.
ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીએ ખ્રિસ્તી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં કોંગ્રેસ અને સીપીએમ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે વિરોધ પક્ષો સીએએ (CAA), સમાન નાગરિક સંહિતા અને એફસીઆરએ (FCRA) સુધારા અંગે લઘુમતીઓમાં ખોટો ભય અને જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. પીએમએ ગોવા અને ઉત્તર-પૂર્વના રાજ્યોનું ઉદાહરણ આપતા કહ્યું કે જ્યાં ખ્રિસ્તી વસ્તી નોંધપાત્ર છે ત્યાં ભાજપ સરકારો વિકાસના કાર્યો સાથે આગળ વધી રહી છે. કેરળના સ્થાનિક મુદ્દાઓને સ્પર્શતા તેમણે સબરીમાલા અયપ્પા મંદિરમાં થયેલી કથિત સોનાની ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને વચન આપ્યું હતું કે જો કેરળમાં ભાજપ સત્તા પર આવશે તો આ મામલે કડક તપાસ કરાવી દોષિતોને જેલભેગા કરવામાં આવશે.
તિરુવનંતપુરમમાં ભવ્ય રોડ શો યોજીને મોદીએ ભાજપના પ્રદેશ પ્રમુખ રાજીવ ચંદ્રશેખર સહિતના ઉમેદવારો માટે સમર્થન માંગ્યું હતું. તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે કેરળની જનતા પરિવર્તન માટે તૈયાર છે અને ભાજપ અહીં સરકાર બનાવશે. મહિલા સશક્તિકરણને પોતાની સરકારની પ્રાથમિકતા ગણાવતા તેમણે કહ્યું કે એનડીએ સરકારની યોજનાઓનો સીધો લાભ મહિલાઓને મળી રહ્યો છે. ૯ એપ્રિલે યોજાનારા મતદાન પહેલા મોદીની આ મુલાકાતે કેરળના રાજકીય સમીકરણોમાં ગરમાવો લાવી દીધો છે, ખાસ કરીને લોકસભા બેઠકો વધારવાની તેમની ખાતરી દક્ષિણ ભારતના મતદારોમાં મોટો વિશ્વાસ જગાડી શકે છે.

(1:33 PM IST)