તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
ટાટા સ્ટીલ પર ખાણકામ વિભાગની ગાજ: રૂ.૧,૭૫૫ કરોડની અધધ ડિમાન્ડ નોટિસથી ખળભળાટ
ઝારખંડમાં મર્યાદા કરતા ૧.૬૨ કરોડ ટન વધુ કોલસો કાઢ્યાના ગંભીર આરોપ સાથે રામગઢ માઇનિંગ ઓફિસની લાલઆંખ, સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાને ટાંકીને જારી કરાયેલી આ નોટિસને પડકારવા ટાટા ગ્રૂપ હવે કાનૂની જંગની તૈયારીમાં

રામગઢ: ઝારખંડના રામગઢ સ્થિત જિલ્લા ખાણકામ કાર્યાલયે ટાટા સ્ટીલ લિમિટેડ સામે અત્યંત કડક વલણ અપનાવતા રૂ.૧,૭૫૫ કરોડની માતબર રકમની ડિમાન્ડ નોટિસ ફટકારી છે. કંપની પર આરોપ છે કે તેણે પશ્ચિમ બોકારો કોલિયરીમાંથી નિયત મર્યાદા કરતા આશરે ૧.૬૨ કરોડ મેટ્રિક ટન કોલસાનું વધારાનું ઉત્પાદન કર્યું છે. ૩૦ માર્ચ, ૨૦૨૬ના રોજ જારી કરાયેલી આ નોટિસ ટાટા સ્ટીલને ૩ એપ્રિલના રોજ મળી હતી, જેમાં નાણાકીય વર્ષ ૨૦૦૦-૦૧ થી ૨૦૦૬-૦૭ ના ગાળા દરમિયાન થયેલા કથિત ગેરકાયદેસર ખાણકામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આટલી મોટી રકમની માંગણીએ કોર્પોરેટ જગતમાં અને માઇનિંગ સેક્ટરમાં ભારે ચકચાર જગાવી દીધી છે.
આ સમગ્ર વિવાદનો પાયો સુપ્રીમ કોર્ટના 'કોમન કોઝ વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા' કેસમાં નોંધાયેલા અવલોકનો પર ટકેલો છે. ખાણકામ વિભાગની દલીલ છે કે કંપનીએ નિર્ધારિત ક્વોટા કરતા ઘણો વધારે કોલસો જમીનમાંથી બહાર કાઢ્યો છે, જે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે. બીજી તરફ, ટાટા સ્ટીલ લિમિટેડે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં સ્પષ્ટ કર્યું છે કે આ માંગણી સંપૂર્ણપણે પાયાવિહોણી અને વાસ્તવિક આધાર વગરની છે. કંપનીના મેનેજમેન્ટ મુજબ, વિભાગ દ્વારા કરવામાં આવેલો આક્ષેપ તથ્યહીન છે અને તેઓ આ મામલે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી.
ટાટા સ્ટીલે હવે આ વિવાદાસ્પદ નોટિસ સામે કાનૂની મોરચો ખોલવાની સત્તાવાર જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે તે યોગ્ય ન્યાયિક અથવા અર્ધ-ન્યાયિક ફોરમ સમક્ષ આ નોટિસને પડકારવા માટે જરૂરી તમામ કાયદાકીય ઉપાયો હાથ ધરશે. સેબી (SEBI) ના નિયમો મુજબ કરવામાં આવેલી આ જાહેરાત બાદ ટાટાના શેર પર પણ રોકાણકારોની નજર ટકેલી છે. અત્યારે ઝારખંડનું ખાણકામ વિભાગ અને દેશની પ્રતિષ્ઠિત ટાટા સ્ટીલ વચ્ચેની આ લડાઈ હવે કાનૂની દાવપેચમાં ફેરવાય તેવી પૂરેપૂરી શક્યતા છે, જેમાં કરોડો રૂપિયાનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
