તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
અમેરિકામાં મેડિકેર હોસ્પાઇસ કૌભાંડમાં ભારતીય મૂળના દંપતીની ધરપકડ : કરોડો ડોલરની છેતરપિંડીનો પર્દાફાશ
નર્સ અમેલુ ગિલ અને સાયકોલોજિસ્ટ પતિ ગ્લેડવિન ગિલે સારવાર વગર 52 લાખ ડોલરથી વધુના ખોટા ક્લેમ કર્યા : દર્દીઓના રેફરલ માટે ગેરકાયદેસર કિકબેક આપી સરકારી નાણાંનો અંગત મોજશોખ માટે ઉપયોગ કર્યો

લોસ એન્જલસ:અમેરિકાના કેલિફોર્નિયામાં મેડિકેર હોસ્પાઇસ કેર સાથે સંકળાયેલા કરોડો ડોલરના કૌભાંડમાં ભારતીય મૂળના એક દંપતીની ફેડરલ સત્તાવાળાઓ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ૨ એપ્રિલના રોજ વહેલી સવારે કોવિના સ્થિત તેમના નિવાસસ્થાનેથી ૭૦ વર્ષીય રજિસ્ટર્ડ નર્સ અમેલુ ગિલ અને તેમના ૬૬ વર્ષીય સાયકોલોજિસ્ટ પતિ ગ્લેડવિન ગિલની અટકાયત કરવામાં આવી હતી. આ દંપતી પર આરોપ છે કે તેમણે હોસ્પાઇસ કેરના નામે સરકારી તિજોરીને લાખો ડોલરનો ચૂનો લગાવ્યો છે.
સારવાર વગર લાખો ડોલરના ખોટા ક્લેમ:
ફેડરલ પ્રોસિક્યુટર્સના જણાવ્યા અનુસાર, આ દંપતી એનાહાઇમમાં 'સેન્ટ ફ્રાન્સિસ પેલિએટિવ કેર' નામની સંસ્થા ચલાવતું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે તેમણે એવી સેવાઓ માટે 52 લાખ ડોલર (અંદાજે ૪૩ કરોડ રૂપિયાથી વધુ) ના મેડિકેર ક્લેમ સબમિટ કર્યા હતા જે કાં તો તબીબી રીતે જરૂરી નહોતી અથવા તો ક્યારેય આપવામાં જ આવી નહોતી. આ છેતરપિંડીયુક્ત ક્લેમ સામે મેડિકેર દ્વારા અંદાજે ૪૦ લાખ ડોલરની ચુકવણી પણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ગેરકાયદેસર કિકબેક અને ખોટા દસ્તાવેજો:
તપાસકર્તાઓનો આરોપ છે કે દંપતીએ નવા દર્દીઓના રેફરલ મેળવવા માટે ગેરકાયદેસર રીતે કિકબેક (લાંચ) ચૂકવી હતી. વધુમાં, જે વ્યક્તિઓ જીવલેણ બીમારીથી પીડાતા નહોતા અથવા હોસ્પાઇસ પ્રોગ્રામ માટે લાયક નહોતા, તેમને પણ ખોટી રીતે આ કાર્યક્રમમાં નોંધણી કરાવીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું. યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસના ઇન્સ્પેક્ટર જનરલ ટી. માર્ચ બેલે જણાવ્યું હતું કે, આરોપીઓએ હોસ્પાઇસ કેરને રોકડ કમાણી કરવાના વ્યવસાયમાં ફેરવી નાખી હતી.
સરકારી નાણાંથી લક્ઝરી લાઇફસ્ટાઇલ:
સત્તાવાળાઓએ દાવો કર્યો છે કે કૌભાંડ દ્વારા મેળવેલી રકમનો ઉપયોગ દંપતીએ તેમના અંગત ખર્ચાઓ માટે કર્યો હતો. જેમાં ઘરના મોર્ટગેજ હપ્તા, કાર પેમેન્ટ, વિદેશ પ્રવાસ અને મોજશોખ પાછળ નાણાં ખર્ચવામાં આવ્યા હતા. એફબીઆઈ (FBI) અધિકારીઓએ ઉમેર્યું હતું કે સધર્ન કેલિફોર્નિયા હોસ્પાઇસ ફ્રોડ માટે હાઈ-રિસ્ક ઝોન બની રહ્યું છે અને આવા કૌભાંડોથી કરદાતાઓ અને આરોગ્ય પ્રણાલીની અખંડિતતા પર ગંભીર અસર પડે છે. હાલમાં આ મામલે વધુ તપાસ ચાલુ છે.
(12:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
