<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

ઠંડી બીયર માટે ‘તરસા’ તરસશે: મધ્યપ્રદેશમાં સ્ટોકની અછત વચ્ચે નિકાસ પર મુકાયો પ્રતિબંધ

કાળઝાળ ઉનાળામાં બીયરનું સંકટ ઘેરાતા એક્સાઇઝ વિભાગે અન્ય રાજ્યોમાં સપ્લાય અટકાવ્યો, પ્રીમિયમ બ્રાન્ડ્સ અને બિલિંગ સિસ્ટમમાં ધાંધિયા સર્જાતા દારૂના કોન્ટ્રાક્ટરોને કરોડોના નુકસાનની ભીતિ વચ્ચે રોષ

ભોપાલ:મધ્યપ્રદેશમાં ઉનાળાની શરૂઆત સાથે જ શરાબના શોખીનો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં બીયર અને પ્રીમિયમ દારૂના સ્ટોકની ભારે અછત સર્જાતા એક્સાઇઝ વિભાગે તાકીદની અસરે અન્ય રાજ્યોમાં થતી બીયરની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. રાજ્યના સ્ટેટ બ્યુરો અનુસાર, નવી દારૂની દુકાનો શરૂ થવાના પ્રથમ દિવસોમાં જ સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે, જેના કારણે બજારોમાં લોકપ્રિય બ્રાન્ડ્સ મળવી મુશ્કેલ બની ગઈ છે. એક્સાઇઝ વિભાગની આ લાલઆંખ પાછળનું મુખ્ય કારણ સ્થાનિક માંગને પહોંચી વળવા માટે પૂરતો સ્ટોક જાળવવાનો હોવાનું મનાય છે, પરંતુ વાસ્તવિકતામાં સપ્લાય અને બિલિંગ સોફ્ટવેરના ધાંધિયાને કારણે સ્થિતિ વધુ વણસી રહી છે.

દારૂના કોન્ટ્રાક્ટરો અત્યારે ભારે મથામણમાં મુકાયા છે, કારણ કે ઉનાળો એ બીયરના વેચાણ માટેની મુખ્ય સિઝન ગણાય છે. કોન્ટ્રાક્ટરોનો આક્ષેપ છે કે પ્રીમિયમ બ્રાન્ડ્સ વિના દુકાનો ચલાવવી અશક્ય છે અને વિભાગ સમયસર માલ પૂરો પાડવામાં નિષ્ફળ રહ્યો છે. આ સંજોગોમાં કરોડો રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી કેવી રીતે ભરવી તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. અનેક જગ્યાએ નવી દુકાનોમાં હજુ સુધી પૂરતો સ્ટોક પહોંચ્યો નથી અને લોકપ્રિય કંપનીઓની બ્રાન્ડ માટે બિલિંગ સિસ્ટમ પણ શરૂ થઈ નથી. પરિસ્થિતિ એવી છે કે જો આગામી ૧૦ દિવસમાં સ્ટોક ઉપલબ્ધ નહીં થાય, તો કોન્ટ્રાક્ટરોને નાણાકીય મોરચે મરણતોલ ફટકો પડી શકે તેમ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સપ્લાય અને બ્રાન્ડની અનુપલબ્ધતાને કારણે જ રાજ્યમાં અનેક જગ્યાએ દારૂના કોન્ટ્રાક્ટ લેવા માટે વેપારીઓમાં ઉત્સાહનો અભાવ જોવા મળ્યો હતો. વેપારીઓનું કહેવું છે કે ટેન્ડર પ્રક્રિયા પહેલા જ સપ્લાય અને બિલિંગના મૂળભૂત પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈતું હતું. હાલમાં ભોપાલ અને ઈન્દોર સહિતના મોટા શહેરોમાં પ્રીમિયમ દારૂનો જથ્થો મર્યાદિત હોવાથી કાળાબજારની આશંકા પણ સેવાઈ રહી છે. એક્સાઇઝ વિભાગ આ મામલે ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો કરી રહ્યો છે, પરંતુ પીક સીઝનમાં સર્જાયેલું આ 'બીયર સંકટ' સરકારી તિજોરીને પણ મોટું નુકસાન પહોંચાડે તેવી શક્યતા છે.

(12:40 PM IST)