<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

સુદામાનો વેશ અને આતંકી કાવતરું: ટેબ્લોમાં નાચતો યુવાન નીકળ્યો પાકિસ્તાની જાસૂસ

ગ્રેટર નોઈડાની ગલીઓમાં નિર્દોષ દેખાતો પાપલા પંડિત એટીએસના સકંજામાં આવતા જનતા સ્તબ્ધ, ધાર્મિક ઉત્સવોમાં સુદામા બની ઝૂમનારો લોકેશ પૈસાની લાલચમાં દેશદ્રોહના માર્ગે વળ્યાનો પર્દાફાશ થતા પડોશીઓમાં ભારે આક્રોશ

ગ્રેટર નોઈડા:ગ્રેટર નોઈડાના છપરૌલા વિસ્તારમાં આવેલી રામબિહાર કોલોનીમાં અત્યારે ભય અને આશ્ચર્યનો માહોલ છે. જે યુવાનને લોકો અત્યાર સુધી ગલીના પ્રોગામોમાં સુદામાનો વેશ ધારણ કરી ભક્તિભાવથી નાચતો જોતા હતા, તે જ લોકેશ ઉર્ફે પાપલા પંડિત ખતરનાક આતંકવાદી નેટવર્કનો ભાગ નીકળશે તેવી કોઈએ કલ્પના પણ નહોતી કરી. ઉત્તર પ્રદેશ એટીએસ (ATS) ની કાર્યવાહીમાં જ્યારે તેની સંડોવણી પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હોવાનું બહાર આવ્યું, ત્યારે આખી કોલોનીમાં સોપો પડી ગયો હતો. સ્થાનિક મહિલાઓ અને પુરુષો તેના ઘરની બહાર એકઠા થઈને એ જ ચર્ચા કરી રહ્યા છે કે, જે છોકરો આટલો સીધો દેખાતો હતો તે આટલા મોટા ગુનાહિત કાવતરામાં કેવી રીતે સામેલ થઈ ગયો.

પાપલા વિશે પડોશમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક તેને અત્યંત સરળ અને મળતાવડો ગણાવી રહ્યા છે, જ્યારે અન્ય લોકોના મતે તે નશાના રવાડે ચડી ગયો હતો. તેની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હોવાથી, પાકિસ્તાની આકાઓએ તેને પૈસાની લાલચ આપીને જાળમાં ફસાવ્યો હોવાની આશંકા છે. આતંકી મોડ્યુલમાં તેને 'ઝાહિદ' જેવું કોડ નેમ આપવામાં આવ્યું હતું અને તે પોતાની હિન્દુ ઓળખનો ફાયદો ઉઠાવીને સંવેદનશીલ સ્થળોની રેકી કરતો હતો. ભક્તિના ઓથે આતંકનો ખેલ ખેલનારા આ શખ્સની અસલિયત સામે આવતા હવે લોકો તેને નફરતની નજરે જોઈ રહ્યા છે.

તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, પાપલા ઉર્ફે લોકેશ પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સના કહેવા પર ગૂગલ લોકેશન શેર કરતો અને મહત્વના પ્રતિષ્ઠાનોના વીડિયો રેકોર્ડ કરીને સરહદ પાર મોકલતો હતો. એટીએસની ધરપકડ બાદ તેના ઘરમાંથી અનેક શંકાસ્પદ દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આતંકવાદીઓ હવે સ્થાનિક સ્તરે સોશિયલ મીડિયા અને આર્થિક મજબૂરીનો ફાયદો ઉઠાવીને યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. હાલમાં એટીએસ આ કેસમાં વધુ ઊંડી તપાસ કરી રહી છે કે પાપલાએ અત્યાર સુધીમાં કયા કયા સ્થળોની માહિતી દુશ્મન દેશને પૂરી પાડી છે.

(12:25 PM IST)