તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
ગુરુગ્રામમાં હેરિયરનો કાળમુખો પ્રહાર: રોંગ સાઈડમાં આવતી કારે બાઇક-ટેક્સીને ઉડાવી, બે આશાસ્પદ યુવાનોના કરૂણ મોત
ગોલ્ફ કોર્સ એક્સટેન્શન રોડ પર મધરાતે સર્જાયો ભયાનક અકસ્માત: ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇકના બે ટુકડા થઈ ૧૦૦ મીટર સુધી કાટમાળ વિખેરાયો, નિર્દયી કાર ચાલક લોહીલુહાણ હાલતમાં પડેલા યુવાનોને મદદ કરવાને બદલે ઘટનાસ્થળેથી ફરાર

ગુરુગ્રામ:ગુરુગ્રામના સેક્ટર ૫૭ સ્થિત ધર્મ માર્ગ પર રવિવારે વહેલી સવારે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. ઉત્તર પ્રદેશ પાસિંગની એક કાળા રંગની ટાટા હેરિયર કારના ચાલકે પૂરપાટ ઝડપે અને રોંગ સાઈડમાં આવીને એક બાઇક-ટેક્સીને જોરદાર ટક્કર મારી હતી. આ ભીષણ અકસ્માતમાં ૨૬ વર્ષીય બાઇક-ટેક્સી ચાલક ઋત્વિક કુમાર અને ૨૪ વર્ષીય મુસાફર કાર્તિક સુરેશનું કરૂણ મોત નીપજ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અથડામણ એટલી ગંભીર હતી કે બાઇક પર સવાર બંને યુવાનો હવામાં ૧૫ થી ૨૦ ફૂટ દૂર ફંગોળાયા હતા. અકસ્માત બાદ માનવતા નેવે મૂકીને કારમાં સવાર શખ્સો ગંભીર હાલતમાં તડપતા યુવાનોને રઝળતા મૂકી પગપાળા ભાગી છૂટ્યા હતા.
મૃતક કાર્તિક સુરેશ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને પોતાના મિત્રની બર્થડે પાર્ટી પતાવીને ઘરે પરત ફરી રહ્યો હતો, જ્યારે બાઇક ચાલક ઋત્વિક કુમાર પરિવારને આર્થિક ટેકો આપવા માટે રાત્રિના સમયે પાર્ટ-ટાઈમ ટેક્સી ચલાવતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સ્કૂટરના બે ટુકડા થઈ ગયા હતા અને તેનો ભંગાર ૧૦૦ મીટરના વિસ્તારમાં વિખેરાઈ ગયો હતો, જે અકસ્માતની ભયાનકતા દર્શાવે છે. રાહદારીઓએ પોલીસને જાણ કરતા બંનેને તાત્કાલિક અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ બંનેએ દમ તોડી દીધો હતો. આ ઘટનાથી બંને યુવાનોના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
ગુરુગ્રામ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી બંને વાહનો જપ્ત કર્યા છે. પોલીસ જનસંપર્ક અધિકારી સંદીપ તુરાને જણાવ્યું હતું કે કાર ચાલકની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ડ્રાઈવર નશામાં હતો કે કેમ તે ધરપકડ બાદ મેડિકલ તપાસમાં જ સ્પષ્ટ થશે. જોકે, કારમાંથી કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી. હાઈવે અને પોશ વિસ્તારોમાં રોંગ સાઈડ ડ્રાઈવિંગના કારણે સર્જાતા આવા અકસ્માતોએ ફરી એકવાર માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમોના સરેઆમ ઉલ્લંઘન સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ગુરુગ્રામ પોલીસ અત્યારે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
