<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

મધરાતે મિશન ઈરાન: અમેરિકી પાઇલટનો દિલધડક છુટકારો, ટ્રમ્પે ગણાવ્યો 'ચમત્કાર'

દુશ્મન દેશના પહાડોમાં ૨૪ કલાક ચાલેલા હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ સ્પેશિયલ ફોર્સે અમેરિકી કર્નલને જીવના જોખમે ઉગાર્યો, ડઝનેક ઘાતક વિમાનો અને ફૂલપ્રૂફ પ્લાનિંગ સાથે પાર પાડ્યું સૈન્ય ઇતિહાસનું સૌથી સાહસિક રેસ્ક્યુ ઓપરેશન

વોશિંગ્ટન:મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે અમેરિકાએ ઈરાનના કબજામાંથી પોતાના ગુમ થયેલા પાઇલટને બચાવી લેવામાં મોટી સફળતા મેળવી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ રેસ્ક્યુ ઓપરેશનની પુષ્ટિ કરતા તેને અમેરિકન સૈન્ય ઇતિહાસનું સૌથી હિંમતવાન મિશન ગણાવ્યું હતું. ઈરાની સૈન્ય દ્વારા તોડી પાડવામાં આવેલા F-15E ફાઇટર જેટના ગુમ થયેલા 'ડેકોરેટેડ કર્નલ'ને બચાવવા માટે અમેરિકાએ આકાશ-પાતાળ એક કર્યા હતા. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો કે પાયલટ ઈરાનના પહાડી વિસ્તારોમાં દુશ્મનોથી ઘેરાયેલો હતો, પરંતુ અમેરિકી કમાન્ડ સેન્ટર ૨૪ કલાક સેટેલાઇટ લોકેશન દ્વારા તેના પર નજર રાખી રહ્યું હતું અને તેને એકલો પડવા દીધો ન હતો.

આ ઓપરેશનની વિગતો આપતા ટ્રમ્પે જણાવ્યું કે તેમના સીધા નિર્દેશ હેઠળ વિશ્વના સૌથી આધુનિક અને ઘાતક શસ્ત્રોથી સજ્જ ડઝનેક વિમાનોને ઈરાની આકાશમાં મોકલવામાં આવ્યા હતા. પાયલટને સુરક્ષિત બહાર કાઢવા માટે સૈન્યએ લોખંડી મનોબળ બતાવ્યું હતું. જોકે, પાઇલટને કેટલીક સામાન્ય ઇજાઓ પહોંચી છે, પરંતુ તે હવે સંપૂર્ણપણે સુરક્ષિત અને સ્વસ્થ છે. ટ્રમ્પે ગર્વભેર ઉમેર્યું કે લશ્કરી ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે દુશ્મનના પ્રદેશમાં અલગ-અલગ કામગીરી કરીને બે અમેરિકન પાઇલટ્સને હેમખેમ બચાવી લેવાયા હોય. આ સફળતા બાદ અમેરિકાએ ઈરાની આકાશ પર પોતાની હવાઈ શ્રેષ્ઠતા સાબિત કરી દીધી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

બીજી તરફ, ઈરાન તરફથી હજુ સુધી આ રેસ્ક્યુ ઓપરેશન અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પેન્ટાગોનના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાયલટ મળી ગયો હોવા છતાં રેસ્ક્યુ ટીમ હજુ પણ ઈરાની સરહદની અંદર જ સંઘર્ષ કરી રહી છે અને તેમને સંપૂર્ણ સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટેનું એરલિફ્ટ મિશન હજુ પણ ચાલુ છે. ટ્રમ્પે આ ક્ષણને તમામ અમેરિકનો માટે ગૌરવની ગણાવી છે અને જણાવ્યું છે કે અમેરિકા ક્યારેય પોતાના સૈનિકને દુશ્મન પાછળ એકલો છોડશે નહીં. આ હાઈ-પ્રોફાઈલ રેસ્ક્યુ ઓપરેશને વૈશ્વિક સ્તરે અમેરિકી સૈન્યની ઘાતક ક્ષમતાનો પરિચય કરાવ્યો છે, જેના કારણે યુદ્ધના મેદાનમાં હવે નવા સમીકરણો રચાય તેવી શક્યતા છે.

(11:52 AM IST)