તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
હિન્દુ ઓળખના ઓથે આતંકી ષડયંત્ર: UP ATS દ્વારા પાકિસ્તાની 'ગઝવા-એ-હિંદ' મોડ્યુલનો પર્દાફાશ
સુરક્ષા એજન્સીઓની આંખમાં ધૂળ નાખવા હિન્દુ યુવાનોને સલીમ અને ઝાહિદ જેવા કોડ નેમ આપી કરાતી હતી જાસૂસી, મેરઠથી દુબઈ અને પાકિસ્તાન સુધી જોડાયેલા આતંકી તાર ખુલતા હડકંપ

મેરઠ:ઉત્તર પ્રદેશ આતંકવાદ વિરોધી ટુકડી (UP ATS) એ સરહદ પારથી સંચાલિત એક અત્યંત ખતરનાક અને છળકપટથી ભરેલા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં બહાર આવેલા તથ્યો મુજબ, પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ 'ગઝવા-એ-હિંદ'ના એજન્ડાને પાર પાડવા માટે ભારતીય હિન્દુ યુવાનોનો મહોરા તરીકે ઉપયોગ કરી રહ્યા હતા. મુખ્ય આરોપી શાકિબની ધરપકડ બાદ ખુલાસો થયો છે કે તેણે વિકાસ અને લોકેશ નામના બે હિન્દુ યુવાનોને લાલચ આપી પોતાના મોડ્યુલમાં સામેલ કર્યા હતા. આ યુવાનોને 'સલીમ' અને 'ઝાહિદ' જેવા મુસ્લિમ કોડ નેમ આપવામાં આવ્યા હતા, જ્યારે વાસ્તવિકતામાં તેમની હિન્દુ ઓળખનો ઉપયોગ સંવેદનશીલ ધાર્મિક સ્થળો અને લશ્કરી મથકોની જાસૂસી કરવા માટે સુરક્ષા પાસ તરીકે કરવામાં આવતો હતો.
તપાસની કડીઓ છેક દુબઈ સુધી લંબાઈ રહી છે, જ્યાં આકિબ નામનો વ્યક્તિ શાકિબ અને પાકિસ્તાની આકાઓ વચ્ચે કડી તરીકે કામ કરતો હતો. આ નેટવર્ક ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા યુવાનોને કટ્ટરપંથી બનાવી હથિયારોના વીડિયો બતાવી ઉશ્કેરતું હતું. એટીએસના જણાવ્યા મુજબ, પાકિસ્તાની હેન્ડલર્સ ગૂગલ લોકેશન શેર કરતા હતા અને આ યુવાનો તે સ્થળોની રેકી કરી વીડિયો રેકોર્ડિંગ મોકલતા હતા. આ કામગીરી માટે તેમને વિદેશી ચેનલો દ્વારા મોટી રકમ ચૂકવવામાં આવતી હતી. આ પ્રકારના 'હાઇબ્રિડ આતંકવાદ' પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સુરક્ષા એજન્સીઓનું ધ્યાન ભટકાવીને કોઈ મોટી હિંસક ઘટનાને અંજામ આપવાનો હતો.
એડીજી અમિતાભ યશના જણાવ્યા અનુસાર, આ કોઈ છૂટીછવાઈ ઘટના નથી પરંતુ ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી સક્રિય થયેલા સુનિયોજિત રણનીતિનો ભાગ છે. તાજેતરમાં ધરપકડ કરાયેલા આઈએસઆઈએસ વિચારધારા ધરાવતા વિદ્યાર્થીઓની કડીઓ પણ આ જ પ્રકારના નેટવર્ક સાથે જોડાયેલી હોવાની આશંકા છે. સુરક્ષા એજન્સીઓ અત્યારે દુબઈ સ્થિત આકિબ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ અને કાનૂની કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરી રહી છે. આ ખુલાસા બાદ રાજ્યના તમામ સંવેદનશીલ અને ધાર્મિક સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે, કારણ કે આતંકીઓ હવે પોતાની ઓળખ છુપાવીને 'સ્લીપર સેલ' તરીકે કાર્ય કરી રહ્યા છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
