તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
અનામતનો 'માસ્ટરસ્ટ્રોક': ઓડિશામાં SC-ST અને પછાત વર્ગો માટે એન્જિનિયરિંગ-મેડિકલના દ્વાર ખૂલ્યા
મુખ્યમંત્રી મોહન ચરણ માઝીનો ઐતિહાસિક નિર્ણય: રાજ્યની ટેકનિકલ સંસ્થાઓમાં અનામતની મર્યાદા લગભગ બમણી કરી, પ્રથમ વખત SEBC વિદ્યાર્થીઓને ફાળવ્યો ૧૧.૨૫% ક્વોટા અને ૫૦% ની મર્યાદા જાળવી રાખીને લાખો વિદ્યાર્થીઓના ડોક્ટર-એન્જિનિયર બનવાના સપનાને આપી પાંખો

ભુવનેશ્વર:ઓડિશામાં ભાજપ સરકારે શનિવારે મોડી રાત્રે મળેલી કેબિનેટ બેઠકમાં શૈક્ષણિક અનામત પ્રણાલીમાં ક્રાંતિકારી ફેરફાર કરીને રાજકીય અને સામાજિક ક્ષેત્રે ખળભળાટ મચાવી દીધો છે. રાજ્યની મેડિકલ, એન્જિનિયરિંગ અને ઉચ્ચ તકનીકી કોલેજોમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટેની અનામત મર્યાદામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આ નિર્ણયને સામાજિક ન્યાયની દિશામાં એક મોટું કદમ ગણાવતા કહ્યું કે, હવે પછાત વર્ગના વિદ્યાર્થીઓને તેમની વસ્તીના પ્રમાણમાં અધિકારો મળશે. ખાસ વાત એ છે કે, અત્યાર સુધી ઉચ્ચ શિક્ષણમાં અનામતથી વંચિત રહેલા SEBC (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ) માટે પ્રથમ વખત ૧૧.૨૫% બેઠકો અનામત રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
નવા નિયમો મુજબ, ST વિદ્યાર્થીઓ માટે અનામત ૧૨% થી વધારીને ૨૨.૫૦% અને SC વિદ્યાર્થીઓ માટે ૮% થી વધારીને ૧૬.૨૫% કરવામાં આવી છે. આ ફેરફારની સીધી અસર રાજ્યની ૨,૪૨૧ મેડિકલ બેઠકો અને ૪૪,૫૭૯ એન્જિનિયરિંગ બેઠકો પર જોવા મળશે. હવેથી મેડિકલ શિક્ષણમાં ST વિદ્યાર્થીઓની બેઠકો ૨૯૦ થી વધીને ૫૪૫ અને SC વિદ્યાર્થીઓની બેઠકો ૧૯૩ થી વધીને ૩૯૩ થશે. આ નીતિ માત્ર એન્જિનિયરિંગ અને મેડિકલ જ નહીં, પરંતુ આઈટીઆઈ, પોલિટેકનિક, આયુર્વેદ, કૃષિ વિજ્ઞાન અને મેનેજમેન્ટ જેવા તમામ વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે, જેનો સીધો લાભ રાજ્યના લાખો તેજસ્વી વિદ્યાર્થીઓને મળશે.
રાજકીય વિશ્લેષકો આ નિર્ણયને નવીન પટનાયકના ગઢમાં ભાજપનો મોટો 'માસ્ટરસ્ટ્રોક' માની રહ્યા છે. દાયકાઓથી સત્તામાં રહેલા બીજુ જનતા દળે પછાત વર્ગો માટે જે પગલાં નહોતા લીધા, તે લઈને ભાજપે રાજ્યની મોટી વોટ બેંકને સીધો સંદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ પાછલી સરકારો પર આક્ષેપ કર્યો હતો કે અગાઉના શાસનમાં વસ્તીના પ્રમાણમાં બેઠકો ન આપીને પછાત સમુદાયોના સશક્તિકરણને રૂંધવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક સુધારા છતાં સરકારે કાનૂની મર્યાદાઓનું ધ્યાન રાખતા કુલ અનામતને ૫૦% ની અંદર સીમિત રાખી છે, જેથી ભવિષ્યમાં કોઈ કાનૂની ગૂંચવણ ઊભી ન થાય. આ પગલાથી ઓડિશાના શૈક્ષણિક માળખામાં નવો અધ્યાય શરૂ થવાની અપેક્ષા છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
