News of Sunday, 5th April 2026
ઉત્તર ભારતમાં પ્રકૃતિનો પ્રકોપ: કેદારનાથમાં ભારે હિમવર્ષા, અટલ ટનલ બંધ
ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી ૫ લોકોના મોત, ૧૧ રાજ્યોમાં વરસાદ અને કરાની ચેતવણી

લખનૌ: દેશભરમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં કમોસમી વરસાદ તથા વીજળી પડવાના બનાવોને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે.
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષાએ જનજીવન ખોરવી નાખ્યું છે. કેદારનાથ ધામમાં સતત થઈ રહેલી બરફવર્ષાને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હિમવર્ષા એટલી ભારે છે કે સુરક્ષાના કારણોસર વ્યૂહાત્મક રીતે મહત્વની અટલ ટનલને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવી છે.
બીજી તરફ, મેદાની વિસ્તારોમાં પણ પ્રકૃતિનો કહેર જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે પડેલા કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડવાની અલગ અલગ ભયાનક ઘટનાઓમાં પાંચ લોકોના કરુણ મોત નીપજ્યા છે.
આ ઉપરાંત, હવામાન વિભાગે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભારે પવન સાથે કરા પડવાની આશંકા વ્યક્ત કરી છે. દેશના કુલ ૧૧ રાજ્યોમાં આગામી દિવસો માટે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખેડૂતોને તેમના પાકને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે.*
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
