તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાનનો 'ચક્રવ્યૂહ': વૈશ્વિક અર્થતંત્રના ગળાટૂંપ માટે તેહરાનનો $500 બિલિયનનો માસ્ટર પ્લાન, ભારત સહિત દુનિયાભરમાં તેલના ભાવ ભડકે બળશે
ટ્રમ્પની ૪૮ કલાકની ડેડલાઇન વચ્ચે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર કાયમી 'ટોલ ટેક્સ' વસૂલવા પસાર કર્યું બિલ, કુદરતી દરિયાઈ માર્ગને હથિયાર બનાવી ઈરાન હવે બાબ અલ-મંડેબ પણ બંધ કરવાના ફિરાકમાં, ૬ અબજ લોકો પર ઉર્જા કટોકટીનું જોખમ

તેહરાન: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું સૈન્ય સંઘર્ષ હવે વૈશ્વિક આર્થિક મહાયુદ્ધમાં ફેરવાઈ ગયું છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓના તાજેતરના અહેવાલો મુજબ, ઈરાને હોર્મુઝની સામુદ્રધુની પર પોતાનું એવું મજબૂત નિયંત્રણ સ્થાપિત કર્યું છે કે તે યુદ્ધ સમાપ્ત થયા પછી પણ આ દરિયાઈ માર્ગને મુક્ત કરવા તૈયાર નથી. ઈરાનની યોજના આગામી ત્રણ વર્ષમાં આ માર્ગ પરથી પસાર થતા જહાજો પાસેથી જંગી 'ટોલ ટેક્સ' વસૂલીને ૫૦૦ અબજ ડોલરની કમાણી કરવાની છે. આ વ્યૂહાત્મક હિલચાલ દ્વારા ઈરાન માત્ર પોતાની અર્થવ્યવસ્થાને બેઠી કરવા નથી માંગતું, પરંતુ ભવિષ્યમાં અમેરિકા કે ઈઝરાયલ સામે એક સુરક્ષા કવચ પણ તૈયાર કરવા માંગે છે. આંતરરાષ્ટ્રીય કાયદાઓ મુજબ કુદરતી દરિયાઈ માર્ગ પર ટેક્સ વસૂલવો ગેરકાયદે હોવા છતાં, ઈરાને પોતાની સંસદમાં આ અંગેનું બિલ પસાર કરીને સમગ્ર વિશ્વને પડકાર ફેંક્યો છે.
આ નાકાબંધીની સૌથી ઘાતક અસર ભારત જેવા દેશો પર પડશે, જે પોતાની તેલ આયાતનો અંદાજે ૪૦ ટકા હિસ્સો આ માર્ગે મેળવે છે. જો ઈરાન પોતાનો મનસ્વી ટેક્સ વસૂલવાનું શરૂ કરશે, તો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ આસમાને પહોંચશે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે. ઈરાન હવે હોર્મુઝ બાદ બાબ અલ-મંડેબ જેવા મહત્વના શિપિંગ રૂટને પણ નિશાન બનાવી રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે. ઈરાની સ્પીકર બાઘર ગાલિબાફે જે રીતે વિશ્વના તેલ અને અનાજ પુરવઠા અંગે સવાલો ઉઠાવ્યા છે, તે જોતા સ્પષ્ટ જણાય છે કે તેહરાન હવે વૈશ્વિક સપ્લાય ચેઈન પર પોતાનો પંજો કસવા માંગે છે. આ સ્થિતિમાં જો બંને મુખ્ય દરિયાઈ માર્ગો બંધ થાય, તો વિશ્વનો ત્રીજા ભાગનો તેલ વેપાર ઠપ્પ થઈ શકે છે.
બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધીરજ હવે ખૂટી રહી હોય તેમ જણાય છે. ટ્રમ્પે ઈરાનને સોદો કરવા અથવા ગંભીર પરિણામો ભોગવવા માટે માત્ર ૪૮ કલાકની આખરી સમયમર્યાદા આપી છે. જો ૬ એપ્રિલ સુધીમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં નહીં આવે, તો અમેરિકા મોટા પાયે સૈન્ય હુમલા કરી શકે તેવી પૂરી સંભાવના છે. યુરોપમાં અત્યારથી જ ઉર્જા લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં લોકોને ઘરેથી કામ કરવા અને વીજળી બચાવવાની સલાહ આપવામાં આવી રહી છે. રણમેદાનમાં ટ્રમ્પ અને નેતન્યાહુના નિર્ણયો ભલે ગમે તે હોય, પરંતુ ઈરાન દ્વારા અપનાવવામાં આવેલી આ આર્થિક નાકાબંધીની કિંમત હવે વિશ્વના ૬ અબજ લોકોએ ચૂકવવી પડશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
(12:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
