તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th April 2026
રાજકારણના અખાડામાં 'દેશી ગર્લ'ની એન્ટ્રી? રાઘવ ચઢ્ઢાની પોસ્ટ પર પ્રિયંકાની કોમેન્ટથી સોશિયલ મીડિયા પર ખળભળાટ!
આમ આદમી પાર્ટીએ ડેપ્યુટી લીડર પદ પરથી હટાવ્યા બાદ રાઘવે શેર કર્યો ઈમોશનલ વીડિયો; સાળી પ્રિયંકા ચોપરાએ સમર્થન આપતા જ ફેન્સે આપી સલાહ- "જીજુને કહો હવે ભાજપમાં જોડાઈ જાય!"

નવી દિલ્હી : બોલિવૂડથી લઈને હોલીવૂડ સુધી ડંકો વગાડનાર પ્રિયંકા ચોપરા અત્યારે ફિલ્મોને કારણે નહીં, પણ પોતાના 'જીજુ' અને AAP નેતા રાઘવ ચઢ્ઢાને કારણે ચર્ચામાં છે. આમ આદમી પાર્ટીએ અચાનક જ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ડેપ્યુટી લીડરના પદ પરથી હટાવી દેતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ પદ પર હવે પંજાબના સાંસદ અશોક કુમાર મિત્તલની નિમણૂક કરવામાં આવી છે. પદ છીનવાયા બાદ રાઘવે સોશિયલ મીડિયા પર પોતાના સંસદીય ભાષણોની એક પ્રભાવશાળી વીડિયો ક્લિપ શેર કરી હતી, જેના પર પ્રિયંકા ચોપરાએ તાળીઓ અને હાર્ટ ઇમોજી પોસ્ટ કરીને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે.
પ્રિયંકાની આ નાનકડી કોમેન્ટે સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનું પૂર લાવી દીધું છે. રાઘવ ચઢ્ઢા જે રીતે ગિગ વર્કર્સ અને ટેક્સના મુદ્દાઓ ઉઠાવી રહ્યા હતા, તેને જોતા ફેન્સ હવે અવનવી અટકળો લગાવી રહ્યા છે. ઘણા યુઝર્સે પ્રિયંકાને ટેગ કરીને પૂછ્યું કે, "શું રાઘવને પોતાની જ પાર્ટીમાં સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે?" તો કેટલાક ઉત્સાહી ચાહકોએ તો સલાહ આપી દીધી કે, "દીદી, રાઘવ જીજુને કહો કે હવે ભાજપમાં જોડાઈ જાય, ત્યાં તેમનું ભવિષ્ય વધુ ઉજ્જવળ છે." નેટીઝન્સ હવે પ્રિયંકાના આ સમર્થનને રાઘવની નવી રાજકીય ઈનિંગના સંકેત તરીકે જોઈ રહ્યા છે.
રસપ્રદ વાત એ છે કે, આ આખા વિવાદમાં રાઘવની પત્ની પરિણીતી ચોપરાએ હજુ સુધી મૌન ધારણ કરી રાખ્યું છે. જોકે, થોડા દિવસો પહેલા જ તેણે રાઘવના પિતૃત્વ રજા (Paternity Leave) ના પ્રસ્તાવ પર ગર્વ અનુભવતી એક લાંબી પોસ્ટ શેર કરી હતી. અત્યારે જ્યારે પશ્ચિમ એશિયામાં યુદ્ધ ચાલી રહ્યું છે અને દેશમાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે, ત્યારે ગ્લેમર વર્લ્ડની હસ્તક્ષેપવાળી આ રાજકીય પોસ્ટ 'ટોક ઓફ ધ ટાઉન' બની છે. હવે જોવાનું એ રહેશે કે રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટીમાં જ રહીને પોતાની લડાઈ ચાલુ રાખશે કે પછી સોશિયલ મીડિયા ફેન્સની સલાહ માનીને કોઈ નવો કેસરીયો વળાંક લેશે.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
