તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
ટ્રમ્પનો મેક્રોન પર કટાક્ષ: "જડબા પરની થપ્પડ અને પત્નીનું ખરાબ વર્તન"
ટ્રમ્પે મજાક ઉડાવતા કહ્યું કે મેક્રોન હજુ પણ તેમના જડબા પર પડેલી "થપ્પડ" ના આઘાતમાંથી બહાર આવ્યા નથી

વોશિંગ્ટન: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની વિવાદાસ્પદ શૈલીમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને તેમની પત્ની બ્રિજિટ મેક્રોન પર નિશાન સાધ્યું છે. એક ખાનગી લંચ દરમિયાન ટ્રમ્પે મજાક ઉડાવતા કહ્યું કે મેક્રોન હજુ પણ તેમના જડબા પર પડેલી "થપ્પડ" ના આઘાતમાંથી બહાર આવ્યા નથી. ટ્રમ્પનો ઈશારો મે 2025 ના એ વાયરલ વીડિયો તરફ હતો, જેમાં વિયેતનામ પ્રવાસ દરમિયાન મેક્રોનની પત્ની બ્રિજિટ મેક્રોન તેમને જાહેરમાં ધક્કો મારતા અથવા થપ્પડ મારતા હોય તેવું દેખાયું હતું. જોકે તે સમયે મેક્રોને આ વાતને નકારી કાઢી હતી અને તેને 'મજાક' ગણાવી હતી, પરંતુ ટ્રમ્પે આ જૂની ઘટનાને તાજી કરીને મેક્રોનની મજાક ઉડાવી છે.
આ વ્યક્તિગત હુમલા પાછળનું મુખ્ય કારણ ગલ્ફ ક્ષેત્ર અને ઈરાન સામેના યુદ્ધમાં ફ્રાન્સ દ્વારા મદદ કરવાનો ઇનકાર હોવાનું માનવામાં આવે છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે મેક્રોનને તાત્કાલિક જહાજો મોકલીને મદદ કરવા વિનંતી કરી હતી, પરંતુ મેક્રોને એવું કહીને ના પાડી દીધી હતી કે તેઓ યુદ્ધ પછી જ મદદ કરી શકશે. ટ્રમ્પે આ બાબતે નારાજગી વ્યક્ત કરતા કહ્યું, "મને યુદ્ધ પૂરું થયા પછી મદદની શું જરૂર?" તેમણે નાટોને પણ 'કાગળનો વાઘ' (Paper Tiger) ગણાવ્યો અને ધમકી આપી કે જો સહયોગી દેશો અમેરિકાને સાથ નહીં આપે, તો અમેરિકા નાટોમાંથી બહાર નીકળવા વિશે વિચારી શકે છે.
ફ્રાન્સે આ મામલે પોતાનો પક્ષ સ્પષ્ટ રાખ્યો છે. એલિસી પેલેસે અગાઉ પણ જણાવ્યું હતું કે ફ્રાન્સ ઈરાન સામેના સૈન્ય અભિયાનમાં સીધી રીતે સામેલ નથી અને મેક્રોનનું માનવું છે કે આ લશ્કરી કાર્યવાહીમાં ફ્રાન્સની સલાહ લેવામાં આવી નહોતી. ટ્રમ્પ અને મેક્રોન વચ્ચેની આ મડાગાંઠ હવે માત્ર રણનીતિ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે વ્યક્તિગત કક્ષાએ પહોંચી ગઈ છે, જેનાથી પશ્ચિમી દેશોના સંગઠનમાં મોટી તિરાડ પડવાની શક્યતા દેખાઈ રહી છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
