તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
ઓલા ઇલેક્ટ્રિકના શેરમાં સુનામી જેવી તેજી: માત્ર બે જ દિવસમાં ૨૦% ઉછળ્યો સ્ટોક, રોકાણકારોને મળી લોટરી!
ઘટતા વેચાણ અને સર્વિસની ફરિયાદો બાદ કંપનીની 'V-આકારની' જોરદાર રિકવરી; ૧૦ લાખ રજિસ્ટ્રેશનનો આંકડો પાર કરનાર ભારતની પ્રથમ EV બ્રાન્ડ બની ઓલા

મુંબઈ: ઇલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રે ભારતની અગ્રણી કંપની ઓલા ઇલેક્ટ્રિક (Ola Electric) માટે છેલ્લા કેટલાક મહિનાઓ પડકારજનક રહ્યા હતા, પરંતુ હવે કંપનીએ શેરબજારમાં ધમાકેદાર વાપસી કરી છે. સતત ઘટતા બજારહિસ્સા અને નબળા લિસ્ટિંગના સમાચારો વચ્ચે, છેલ્લા બે ટ્રેડિંગ સત્રમાં ઓલાના શેરમાં ૨૦ ટકાથી વધુનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. ગુરુવારે શેરબજાર બંધ થયું ત્યારે ઓલાનો શેર આશરે ૯ ટકાના વધારા સાથે ૨૮.૩૫ રૂપિયા પર સ્થિર થયો હતો.
ઓર્ડર અને રજિસ્ટ્રેશનમાં મજબૂત ઉછાળો
આ તેજી પાછળનું મુખ્ય કારણ માર્ચ મહિનાના પ્રોત્સાહક ઓપરેટિંગ ડેટા છે. કંપનીના જણાવ્યા અનુસાર, માર્ચના છેલ્લા અઠવાડિયામાં દૈનિક ઓર્ડર ૧,૦૦૦ યુનિટને વટાવી ગયા હતા, જે લાંબા સમયની મંદી પછી ગ્રાહકોના પુનરાગમનનો સંકેત આપે છે. 'વાહન' પોર્ટલના આંકડા મુજબ, ઓલા ઇલેક્ટ્રિકનું રજિસ્ટ્રેશન ફેબ્રુઆરીમાં ૩,૯૭૩ યુનિટ હતું, જે માર્ચમાં ૫૦ ટકાથી વધુ વધીને ૧૦,૧૧૭ યુનિટ પર પહોંચી ગયું છે. આ આંકડાઓએ રોકાણકારોમાં નવો ઉત્સાહ ફૂંક્યો છે.
સર્વિસમાં સુધારાએ પલટી બાજી
ઓલા ઇલેક્ટ્રિકે તેની આ સફળતાનો શ્રેય સર્વિસ નેટવર્કમાં કરેલા માળખાકીય સુધારાને આપ્યો છે. અગાઉ ગ્રાહકોને વાહનની સર્વિસ બાબતે ઘણી ફરિયાદો હતી, પરંતુ હવે કંપનીનો દાવો છે કે ૮૦ ટકાથી વધુ વાહનોની સર્વિસ એક જ દિવસમાં પૂર્ણ કરવામાં આવી રહી છે. ગ્રાહક સંતોષ વધતા વેચાણમાં સીધો વધારો જોવા મળ્યો છે. કંપનીએ આને 'V-શેપ્ડ' રિકવરી ગણાવી છે, જેનો અર્થ છે કે પતન પછી તેટલી જ ઝડપે કંપનીએ બજારમાં પોતાનું સ્થાન પાછું મેળવ્યું છે.
ઐતિહાસિક સિદ્ધિ: ૧ મિલિયનનો આંકડો પાર
ઓલા ઇલેક્ટ્રિકે ભારતમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કંપની સંચિત રીતે ૧૦ લાખ (૧ મિલિયન) રજિસ્ટ્રેશનનો આંકડો પાર કરનાર ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક વાહન બ્રાન્ડ બની ગઈ છે. આ સિદ્ધિએ બજારમાં ઓલાની વિશ્વસનીયતા વધારી છે. વિશ્લેષકોના મતે, જો કંપની આગામી સમયમાં પણ આ જ ગતિ જાળવી રાખશે, તો શેરબજારમાં ઓલાનો દબદબો હજુ પણ વધી શકે છે.
હાલમાં, ઓલા ઇલેક્ટ્રિકના રોકાણકારો માટે આ તેજી એક મોટા આશ્વાસન સમાન સાબિત થઈ છે.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
