<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

ફૂડ સેફ્ટી મુદ્દે અવાજ ઉઠાવવો યુટ્યુબર નલિની ઉનાગરને ભારે પડ્યો: દિલ્હી પોલીસે નોંધી FIR, નિરાશામાં કહ્યું- "હવેથી મને નકલી પનીર અને ઝેરી ખોરાક જ ગમે છે!"

FSSAI વિરુદ્ધની પોસ્ટ બાદ કાનૂની સકંજામાં ફસાયેલા પ્રખ્યાત યુટ્યુબરનો આક્રોશ; "સાચું બોલવું એ જ ગુનો છે" કહીને સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી લાચારી

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતા અને સામાજિક મુદ્દાઓ પર બેબાક અભિપ્રાય આપવા માટે જાણીતા યુટ્યુબર નલિની ઉનાગર મુશ્કેલીમાં મુકાયા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ને લગતી એક વિવાદાસ્પદ પોસ્ટ બાબતે દિલ્હી પોલીસે તેમની સામે એફઆઈઆર (FIR) દાખલ કરી છે. આ ઘટના બાદ નલિનીએ ભારે આઘાત અને નિરાશા વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પરથી પોતાની અનેક પોસ્ટ હટાવી દીધી છે.
"હવે હું ચૂપ થઈ જઈશ": નલિનીની વેદના
પોતાની સામે થયેલી કાનૂની કાર્યવાહી બાદ નલિની ઉનાગરે એક્સ (X) પર લખ્યું કે, "દિલ્હી પોલીસે મારી સામે એફઆઈઆર નોંધી છે. મેં FSSAI ના મુદ્દા વિશે લખ્યું હતું, જે પોસ્ટ મેં હવે ડિલીટ કરી દીધી છે. મારા જીવનમાં પહેલેથી જ ઘણી મુશ્કેલીઓ ચાલી રહી છે અને આ નવા કાનૂની પડકારે મારી સ્થિતિ વધુ ખરાબ કરી દીધી છે." તેમણે સંકેત આપ્યો હતો કે ભવિષ્યમાં તેઓ સંવેદનશીલ મુદ્દાઓ પર બોલવાનું બંધ કરી દેશે કારણ કે તેઓ હવે આ સ્તરનો તણાવ સહન કરી શકે તેમ નથી.
કટાક્ષ સાથે આકરો વિરોધ
પોતાની સામે થયેલી કાર્યવાહીથી નારાજ નલિનીએ અન્ય એક પોસ્ટમાં સિસ્ટમ પર આકરો કટાક્ષ કર્યો હતો. તેમણે લખ્યું, "આજથી મને નકલી પનીર, યુરિયાવાળો ખોરાક, કૃત્રિમ ઘી અને દૂધમાં ડિટર્જન્ટ ગમે છે. મને પ્લાસ્ટિકના ચોખા અને ઝેરી પ્રિઝર્વેટિવ્સ પણ ગમે છે. મને એ બધું જ ગમે છે જે મને ધીમે-ધીમે મારી નાખે છે, કારણ કે તેની વિરુદ્ધ બોલવું એ જ હવે વાસ્તવિક ગુનો બની ગયો છે." આ પોસ્ટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે અને લોકોમાં ચર્ચા જગાવી રહી છે.
રસોઈ શો થી સામાજિક મુદ્દાઓ સુધીની સફર
નલિની ઉનાગરે ૨૦૨૧માં પોતાની યુટ્યુબ ચેનલ 'નલિનીઝ કિચન રેસીપી' શરૂ કરી હતી, જે ૨૦૨૪માં વળતરના અભાવે બંધ કરી દીધી હતી. જોકે, ઇન્સ્ટાગ્રામ અને એક્સ પર રાજકારણ, મહિલા સશક્તિકરણ અને પ્રાણી ક્રૂરતા જેવા મુદ્દાઓ પર તેમની પોસ્ટ્સ હંમેશા લોકોનું ધ્યાન ખેંચતી રહી છે. હવે ફૂડ સેફ્ટી જેવી ગંભીર બાબતે અવાજ ઉઠાવ્યા બાદ કાનૂની કાર્યવાહી થતા અભિવ્યક્તિની આઝાદી અને નાગરિકોની સુરક્ષાના મુદ્દે ફરી એકવાર નવી ચર્ચા છેડાઈ છે.

(6:29 PM IST)