<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

નોટા- અમેરિકાના ખરાબ થતાં સંબંધોએ યૂરોપ પર વધાર્યો ખતરો : રશિયાના સહયોગી દેશ બેલારુસના રાષ્ટ્રપ્રમુખની યુદ્ધલક્ષી ધમકી : રશિયા-યુક્રેન યુદ્ધને કારણે છેલ્લા ઘણાં વર્ષોથી યૂરોપમાં તણાવ વધ્યો

તેમનો દેશ હવે શાંતિના સમયમાં નથી, પરંતુ યુદ્ધની તૈયારી કરી રહ્યો છે : બેલારુસ ના રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝાન્ડર લુકાશેંકો એ એક મોટું અને ચોંકાવનારું નિવેદન આપ્યુ

નવી દિલ્હી તા.૨ :  બેલારુસ ના રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝાન્ડર લુકાશેંકો એ એક મોટું અને ચોંકાવનારું નિવેદન આપતા કહ્યુ કે તેમનો દેશ હવે શાંતિના સમયમાં નથી, પરંતુ યુદ્ધની તૈયારી કરી રહ્યો છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે રશિયા- યુક્રેન યુદ્ધના કારણે આખા યૂરોપમાં છેલ્લા ચારેક વર્ષથી તણાવની સ્થિતિ છે. લુકાશેંકોએ સૈન્યાધિકારીઓ સાથેની બેઠકમાં સ્પષ્ટ કર્યું છે કે બેલારુસ યુદ્ધ ઈચ્છતું નથી, પરંતુ આસપાસની સ્થિતિ જોતા તૈયાર રહેવું જરૂરી છે.

બેલારુસ રશિયા  નું નિકટવર્તી સહયોગી છે અને તેણે યુક્રેન યુદ્ધ દરમિયાન મોસ્કોનું સમર્થન પણ કર્યું છે. જાણકારો મુજબ, આ નિવેદન માત્ર નિવેદનબાજી નથી, પરંતુ એક રણનીતિક સંકેત હોઈ શકે છે.

આનાથી એ સ્પષ્ટ થાય છે કે બેલારુસ પોતાની સેનાને મજબૂત કરી રહ્યું છે અને કોઈપણ સંભવિત ઘર્ષણની સ્થિતિ માટે તૈયાર રહેવા માંગે છે. બેલારુસની સરહદો સીધી રશિયા અને યુક્રેન ની નજીક છે અને તેની સાથે તે નાટો  દેશોની પણ નજીક છે.

એક તરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ  નાટો સૈન્ય સંધિમાંથી પોતાના દેશને બહાર કાઢવાની વાત કરી રહ્યા છે. તો બીજી તરફ બેલારુસના રાષ્ટ્ર્પ્રમુખનું નિવેદન નાટો - પશ્ચિમી દેશો માટે યુદ્ધના ખતરાને વધારતી ચિંતાઓ પેદા કરનારું છે. આની અસર સામાન્ય નાગરિકો પર પણ પડી શકે છે. જેના કારણે વધુ સૈન્યાભ્યાસો, સંરક્ષણ બજેટમાંવધારો અને સુરક્ષા નિયમોમાં કડકાઈ જેવા પરિવર્તનો થવા લાગશે. લોકોના જીવનમાં અસ્થિરતા વધી શકે છે.

હાલ એ સ્પષ્ટ થયું નથી કે બેલારુસ સીધું કોઈ યુદ્ધમાં સામેલ થશે કે માત્ર પોતાની સુરક્ષા મજબૂત કરી રહ્યું છે. પરંતુ એટલું જરૂર છે કે આ નિવેદને આંતરરાષ્ટ્રીય સ્તરે હલચલ મચાવી દીધી છે અને આગામી સમયમાં આને લગતી ગતિવિધિઓ પર ઝીણવટભરી નજર પણ યૂરોપિયન દેશો દ્વારા રાખવામાં આવશે.

(5:11 PM IST)