તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
જ્યોર્જિયામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓનો ડંકો: માનસિક સ્વાસ્થ્ય માટે બનાવેલી 'ટેમ્પો' એપ જીતી કોંગ્રેસનલ એપ ચેલેન્જ!
ન્યુરોસાયન્સ પર આધારિત સ્માર્ટ પ્લાનર એપ હવે યુએસ કેપિટોલ પ્રદર્શનમાં દર્શાવવામાં આવશે; સૈસૂર્ય લક્કીમસેટ્ટી અને અર્ણવ પટેલની સિદ્ધિથી સમુદાય ગદગદ

ઓગસ્ટા (જ્યોર્જિયા), તા.૨: અમેરિકાના ટેકનોલોજી અને ઇનોવેશન ક્ષેત્રે ભારતીય મૂળના વિદ્યાર્થીઓ ફરી એકવાર પોતાની પ્રતિભા સાબિત કરી રહ્યા છે. જ્યોર્જિયાના ૧૨મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં આયોજિત પ્રતિષ્ઠિત 'કોંગ્રેસનલ એપ ચેલેન્જ'માં લેકસાઇડ હાઇસ્કૂલના ભારતીય-અમેરિકન વિદ્યાર્થીઓ સૈસૂર્ય લક્કીમસેટ્ટી અને અર્ણવ પટેલે (સાથી મિત્ર મિંગઝે ઝાંગ સાથે) પ્રથમ સ્થાન મેળવીને જીત હાંસલ કરી છે. કોંગ્રેસમેન રિક એલને સત્તાવાર રીતે આ વિજેતાઓની જાહેરાત કરી છે.
શું છે 'ટેમ્પો' એપની વિશેષતા?
આ વિદ્યાર્થીઓએ 'ટેમ્પો' (Tempo) નામની એક અનોખી વેલનેસ એપ વિકસાવી છે, જે ન્યુરોસાયન્સ એટલે કે મગજ વિજ્ઞાન પર આધારિત છે. આ એપ માત્ર કામોની યાદી બનાવતું પ્લાનર નથી, પરંતુ તે વપરાશકર્તાની દૈનિક શારીરિક અને માનસિક લય (Rhythm) ને સમજે છે. તે કુદરતી ઉર્જા સ્તર મુજબ ફોકસ સત્રો અને રિમાઇન્ડર્સ સેટ કરે છે. આ એપમાં 'ફ્લો ટાઈમર', 'પ્લાનર' અને 'રિધમ લોગ' જેવી સુવિધાઓ છે જે આરામ અને કાર્ય વચ્ચે સંતુલન જાળવવામાં મદદ કરે છે.
વરિષ્ઠ નાગરિકો માટે પણ વરદાન
માત્ર યુવાનો જ નહીં, પરંતુ વરિષ્ઠ નાગરિકો માટે પણ આ એપમાં ખાસ 'બ્રેઈન હેલ્થ સેન્ટર' બનાવવામાં આવ્યું છે. જેમાં યાદશક્તિ વધારવા માટેની રમતો, મેમરી પ્રોમ્પ્ટ્સ અને દવાના સમયસર રિમાઇન્ડર્સ જેવી સુવિધાઓ છે. નિર્માતાઓના જણાવ્યા મુજબ, તેઓએ પોતાના સમુદાયના વડીલોને યાદશક્તિ અને એકાગ્રતા સાથે સંઘર્ષ કરતા જોઈને આ એપ બનાવવાની પ્રેરણા મળી હતી. તેમનું સૂત્ર છે, "માત્ર વધુ કામ કરવા માટે નહીં, પરંતુ વધુ સારી રીતે જીવવા માટે ટેમ્પો."
યુએસ કેપિટોલ હિલ પર થશે પ્રદર્શન
આ જીત બાદ 'ટેમ્પો' એપને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની સત્તાવાર વેબસાઇટ પર સ્થાન મળશે. એટલું જ નહીં, આ એપને વોશિંગ્ટન ડી.સી. સ્થિત યુએસ કેપિટોલ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવશે. વિજેતા વિદ્યાર્થીઓને 'હાઉસ ઓફ કોડ' ઉજવણી માટે કેપિટોલ હિલ પર આમંત્રિત કરવામાં આવશે, જ્યાં તેઓ અમેરિકી સંસદના સભ્યો સમક્ષ પોતાની એપનું જીવંત પ્રદર્શન (ડેમો) કરશે.
કોંગ્રેસમેન રિક એલને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાની પ્રશંસા કરતા કહ્યું કે, આ વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનો ઉપયોગ કરીને સમાજ માટે ખરેખર ઉપયોગી સાધન બનાવ્યું છે જે અન્ય લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે. આ સિદ્ધિ ભારતીય-અમેરિકન વિદ્યાર્થીઓની ટેકનિકલ કુશળતા અને સામાજિક જવાબદારીનો ઉત્તમ નમૂનો છે.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
