તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
એર ઇન્ડિયાના મુસાફરોની હવે થશે 'મહારાજા' જેવી મહેમાનગતિ: રિવોર્ડ પોઈન્ટ્સમાં મોટો ઘટાડો અને લક્ઝરી સુવિધાઓની લહાણી!
ટાટા ગ્રુપની એરલાઇને મહારાજા ક્લબના સભ્યો માટે ખોલ્યો ખુશીઓનો ખજાનો; ફ્લાઈટ બુકિંગ અને કેબિન અપગ્રેડ હવે બનશે વધુ સસ્તા

નવી દિલ્હી, તા.૨: એર ઇન્ડિયાએ તેના વફાદાર મુસાફરો માટે ૧ એપ્રિલ, ૨૦૨૬થી અમલી બને તે રીતે 'મહારાજા ક્લબ' પ્રોગ્રામમાં ક્રાંતિકારી ફેરફારોની જાહેરાત કરી છે. એરલાઇને ગ્રાહકોના પ્રતિસાદને ધ્યાનમાં રાખીને રિવોર્ડ પોઈન્ટ્સના મૂલ્યમાં વધારો કર્યો છે અને ફ્લાઈટ બુકિંગ માટેના જરૂરી પોઈન્ટ્સમાં ધરખમ ઘટાડો કર્યો છે. હવે મુસાફરો ઓછા પોઈન્ટ્સ ખર્ચ કરીને વધુ મુસાફરીનો આનંદ માણી શકશે.
પોઈન્ટ્સના ઘટાડા સાથે આંતરરાષ્ટ્રીય સફર બની સસ્તી
એર ઇન્ડિયાએ તેના ૯૦% નેટવર્ક પર રિવોર્ડ પોઈન્ટ્સની જરૂરિયાત ઘટાડી દીધી છે. ઘરેલુ ફ્લાઈટ્સ માટે હવે માત્ર ૧,૫૦૦ પોઈન્ટથી શરૂઆત થશે. સૌથી વધુ ફાયદો આંતરરાષ્ટ્રીય રૂટ પર જોવા મળ્યો છે. ઉદાહરણ તરીકે, દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જવા માટે પહેલા ૭૭,૦૦૦ પોઈન્ટ્સ જોઈતા હતા, જે હવે ઘટીને માત્ર ૪૦,૦૦૦ થઈ ગયા છે. તેવી જ રીતે લંડન, ન્યુ યોર્ક અને દુબઈ જેવા લોકપ્રિય રૂટ પર પણ પોઈન્ટ્સમાં સરેરાશ ૩૦% થી ૫૦% સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી વિદેશ પ્રવાસ હવે સસ્તો અને આકર્ષક બનશે.
ટાયર અપગ્રેડ કરવું હવે બન્યું આસાન
વારંવાર મુસાફરી કરતા મુસાફરો (Frequent Flyers) માટે સિલ્વર, ગોલ્ડ કે પ્લેટિનમ ટાયર સુધી પહોંચવું હવે વધુ સરળ બનશે. પ્લેટિનમ ટાયર માટે પહેલા ૯૦ ફ્લાઈટ્સની જરૂર હતી જે હવે ઘટાડીને ૬૦ કરવામાં આવી છે. તેવી જ રીતે ગોલ્ડ માટે ૪૫ અને સિલ્વર માટે માત્ર ૨૦ ફ્લાઈટ્સની જરૂર પડશે. આ ઉપરાંત, પ્લેટિનમ સભ્યો ફ્લાઈટના ૨ કલાક પહેલા સુધી કોઈપણ ચાર્જ વગર ટિકિટ રદ કે ફેરફાર કરી શકશે.
સાથી મુસાફરોને પણ મળશે VIP ટ્રીટમેન્ટ
એર ઇન્ડિયાના ચીફ કોમર્શિયલ ઓફિસર નિપુણ અગ્રવાલે જણાવ્યું હતું કે, હવે પ્લેટિનમ અને ગોલ્ડ સભ્યોની સાથે મુસાફરી કરતા તેમના સાથીદારને પણ પ્રાયોરિટી ચેક-ઈન, બોર્ડિંગ અને લાઉન્જ એક્સેસ જેવી વિશેષ સુવિધાઓ આપવામાં આવશે. મહારાજા ક્લબના ૧ કરોડથી વધુ સભ્યો માટે આ ફેરફારો મુસાફરીના અનુભવને વધુ પ્રીમિયમ બનાવશે. પોઈન્ટ્સ પણ હવે ફ્લાઈટના માત્ર બે કલાકમાં જ ખાતામાં જમા થઈ જશે, જે પહેલા ઘણો સમય લેતા હતા.
ટાટા ગ્રુપ હેઠળ એર ઇન્ડિયાનું આ પરિવર્તન દર્શાવે છે કે એરલાઇન હવે વૈશ્વિક સ્તરે ગ્રાહક સેવા અને વફાદારી કાર્યક્રમોમાં અગ્રેસર બનવા તરફ મક્કમ ડગલાં ભરી રહી છે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
