તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
પિતાના કપાળે પિસ્તોલ મૂકીને દીકરાએ ૧૦ લાખની લૂંટ કરી!
CCTVમાં ચહેરો જોઈને પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ

નવી દિલ્હી,તા.૦૨: પૂર્વ દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પૂર્વ દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારમાં એક યુવકે પોતાના જ ઘરમાં બે સાથીદારોની મદદથી લૂંટ ચલાવી હતી. આ ઘટનામાં યુવકે પોતાના પિતાના કપાળે પિસ્તોલ મૂકીને હવામાં અનેક રાઉન્ડ ગોળીઓ ચલાવી અને ૧૦ લાખ રૂપિયાની રોકડ લઈને ભાગી ગયો હતો.
આ આખો કેસ માત્ર ૨૪ કલાકમાં દિલ્હી પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે મુખ્ય આરોપી તવલીન (૨૧ વર્ષ)ને મુખર્જી નગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. તેના બે સાથીદારો લખનઉ ભાગી ગયા હતા, જેમને લખનઉ ટોલ પ્લાઝા પાસેથી પકડી પાડવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ બંને મિત્રો બિહારના રહેવાસી છે અને તવલીનના પિતાની ફેક્ટરીમાં કામ કરતા હતા.
પૂર્વ દિલ્હીના ડીસીપી રાજીવ કુમારે જણાવ્યું હતું કે, મંગળવારે PCR કોલ મળતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા. આનંદ વિહાર પહોંચીને એક આરોપીએ માસ્ક ઉતાર્યું હતું, જેનો ફૂટેજ પીડિત (તવલીનના પિતા)ને બતાવવામાં આવ્યો. ફૂટેજ જોઈને પીડિતના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તે અન્ય કોઈ નહીં, પરંતુ તેમનો પોતાનો દીકરો તવલીન જ હતો.
ધરપકડ પછી તવલીનની પૂછપરછમાં તેણે કબૂલ કર્યું કે તેને ખબર હતી કે તેના પિતા કેટલાક વ્યક્તિઓને પૈસા આપવા જઈ રહ્યા છે. આ જાણકારીનો લાભ લઈને તેણે બે મિત્રોની મદદથી આ લૂંટનું ષડયંત્ર રચ્યું અને તેને અમલમાં મૂક્યું. તવલીનને મુખર્જી નગરમાંથી અને તેના બંને સાથીઓને લખનઉ ટોલ પ્લાઝા પાસેથી ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે ત્રણેય પાસેથી લૂંટ કરેલી ૧૦ લાખ રૂપિયાની સંપૂર્ણ રકમ જપ્ત કરી લીધી છે. ત્રણેય આરોપીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, તવલીન પોતાના પિતા સાથે ફેક્ટરીમાં કામ કરતો હતો. છતાં તેણે માત્ર મોજ-મજા અને શોખ પૂરા કરવા માટે આ ગંભીર અપરાધ કર્યો હતો. આ ઘટના પરિવારની અંદર વધતા વિશ્વાસઘાત અને આજના યુવાનોમાં વધતી લાલચ તરફ એક ગંભીર ઇશારો કરે છે. હાલમાં ત્રણેય આરોપીઓ જેલમાં છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
