<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

અમેરિકા ઘૂંટણિયે નહીં પડે ત્‍યાં સુધી ઈરાન પીછેહઠ નહીં કરે!

ટ્રમ્‍પની પથ્‍થર યુગમાં મોકલી દેવાની ધમકી સામે ઈરાની સેનાનો વળતો પ્રહાર : ખાતમ અલ-અંબિયા કમાન્‍ડની અમેરિકા અને ઈઝરાયલને ધૂળ ચટાડવાની ભયાનક પ્રતિજ્ઞા

વોશિંગ્‍ટન/તેહરાન, તા.૨: પヘમિ એશિયાનો રણસંગ્રામ હવે કરો કે મરોની સ્‍થિતિમાં પહોંચી ગયો છે. અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે જ્‍યારે ઈરાનને પથ્‍થર યુગમાં ધકેલી દેવાની અને તેની કમર તોડી નાખવાની ગર્જના કરી, ત્‍યારે ઈરાની સેનાએ પણ જડબાતોડ જવાબ આપતા રણશિંગુ ફૂંકયું છે. ઈરાનના શક્‍તિશાળી ઓપરેશનલ કમાન્‍ડ ખાતમ અલ-અંબિયા એ સરકારી ટીવી પર લાઈવ આવીને સ્‍પષ્ટ કર્યું છે કે જ્‍યાં સુધી અમેરિકા વિશ્વ સમક્ષ અપમાનિત ન થાય અને શરણાગતિ ન સ્‍વીકારે ત્‍યાં સુધી આ યુદ્ધ અટકશે નહીં. ઈરાને અમેરિકા અને ઈઝરાયલ પર અત્‍યાર સુધીના સૌથી ઘાતક અને વિનાશક હુમલા કરવાની ખુલ્લી ચેતવણી આપી છે, જેનાથી સમગ્ર વિશ્વમાં ફફડાટ વ્‍યાપી ગયો છે.

બીજી તરફ, ડોનાલ્‍ડ ટ્રમ્‍પ પોતાના આક્રમક વલણને વાજબી ઠેરવતા કહી રહ્યા છે કે તેમણે માત્ર ૩૪ દિવસમાં એક શક્‍તિશાળી દેશને ઘૂંટણિયે પાડી દીધો છે. ટ્રમ્‍પે અમેરિકન જનતાને સંબોધતા એક ભાવુક કાર્ડ રમતા કહ્યું કે, આ કોઈ સામાન્‍ય યુદ્ધ નથી, પરંતુ આપણી ભવિષ્‍યની પેઢીઓ - આપણા બાળકો અને પૌત્ર-પૌત્રીઓ માટે સુરક્ષિત ભવિષ્‍યમાં કરવામાં આવેલું રોકાણ છે. ટ્રમ્‍પનો દાવો છે કે ઈરાનની લશ્‍કરી શક્‍તિ હવે ખતમ થઈ ગઈ છે અને તે હવે અમેરિકા માટે કોઈ મોટો ખતરો નથી. જોકે, ઈરાનના તેવર કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે, જે દર્શાવે છે કે આ જંગ હજુ લાંબી ચાલવાની છે.

આ ત્રિપાંખિયા જંગમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્‍જામિન નેતન્‍યાહૂએ પણ બળતામાં ઘી હોમ્‍યું છે. નેતન્‍યાહૂએ દાવો કર્યો છે કે ઈરાનના રિવોલ્‍યુશનરી ગાર્ડ્‍સના હજારો સૈનિકો માર્યા ગયા છે અને તેમની મિસાઈલ તેમજ પરમાણુ સિસ્‍ટમને ભારે નુકસાન થયું છે. ઈઝરાયલે સ્‍પષ્ટ કર્યું છે કે યુદ્ધવિરામનો અત્‍યારે કોઈ વિચાર નથી અને જ્‍યાં સુધી ઈરાનનું લશ્‍કરી માળખું સંપૂર્ણપણે પાયમાલ ન થઈ જાય ત્‍યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે. એક બાજુ ટ્રમ્‍પ વિજયનો દાવો કરી રહ્યા છે અને બીજી બાજુ ઈરાન અલ્લાહમાં વિશ્વાસ રાખીને અંતિમ શ્વાસ સુધી લડવાની વાત કરી રહ્યું છે, જે સંકેત આપે છે કે આગામી દિવસોમાં મધ્‍ય પૂર્વમાં લોહીની નદીઓ વહી શકે છે. 

(3:16 PM IST)