<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

યુદ્ધની જનતા પર અસર ન થવી જોઈએઃ CCSની બેઠકમાં પીએમ મોદીની સ્‍પષ્ટ સૂચના

LPG-LNGના પુરવઠાને પહોંચી વળવા આયાત વધારવા આદેશ ખેતી માટે ખાતરની અછત ન સર્જાય તે માટે વ્‍યૂહરચના તેજઃ કાળાબજારિયાઓ સામે કડક કાર્યવાહી

નવી દિલ્‍હી, તા.૨: મધ્‍ય પૂર્વમાં વધતા જતા યુદ્ધના તણાવ વચ્‍ચે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ સુરક્ષા પરની કેબિનેટ સમિતિની ઈમરજન્‍સી બેઠક બોલાવીને દેશની આર્થિક સુરક્ષાની કવચ મજબૂત કરી છે. પીએમ મોદીએ સ્‍પષ્ટ સૂચના આપી છે કે સરહદો બહાર ગમે તેટલી અસ્‍થિરતા હોય, પણ તેની માઠી અસર ભારતના સામાન્‍ય નાગરિકોના ખિસ્‍સા કે જીવનશૈલી પર પડવી જોઈએ નહીં. ખાસ કરીને ઉર્જા ક્ષેત્રે ભારતની નિર્ભરતાને જોતા, પીએમએ પેટ્રોલિયમ પદાર્થો અને ગેસના જથ્‍થાને સુરક્ષિત કરવા માટે વિવિધ દેશો સાથેના સપ્‍લાય રૂટ ડાયવર્સિફાય કરવા અને આયાતની ગતિ તેજ કરવા નિર્દેશ આપ્‍યો છે. હોર્મુઝ સ્‍ટ્રેટ જેવા સંવેદનશીલ દરિયાઈ માર્ગો પર ભારતીય જહાજોની સુરક્ષા માટે રાજદ્વારી સ્‍તરે મંત્રણાઓ તેજ કરી દેવામાં આવી છે.

રસોડાના બજેટને સ્‍થિર રાખવા માટે સરકારે LPG અને PNGના ભાવ હાલ તબક્કે યથાવત રાખવાનો મક્કમ નિર્ણય લીધો છે. બેઠકમાં એવી માહિતી આપવામાં આવી હતી કે આગામી સમયમાં સંભવિત અછતને ટાળવા માટે અત્‍યારથી જ ગેસ સપ્‍લાયનાસ્ત્રોતો વધારી દેવામાં આવ્‍યા છે. આ ઉપરાંત, ઉનાળાની સિઝનમાં વીજળીની માંગને પહોંચી વળવા માટે કોલસાના પરિવહન માટે રેકની સંખ્‍યા વધારવામાં આવી છે અને ગેસ આધારિત પાવર પ્‍લાન્‍ટ્‍સને વિશેષ છૂટછાટો આપી કાર્યરત રાખવાની રણનીતિ ઘડાઈ છે. સરકારનું મુખ્‍ય લક્ષ્ય એ છે કે ઉર્જા અને વીજળીના ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનો કાપ કે ભાવવધારો સામાન્‍ય જનતાને વેઠવો ન પડે.

કળષિ પ્રધાન દેશ હોવાથી પીએમ મોદીએ ખેડૂતોની ચિંતા કરતા યુરિયા અને DAP ખાતરનો પૂરતો સ્‍ટોક જાળવી રાખવા પર ભાર મૂકયો છે. આંતરરાષ્‍ટ્રીય લોજિસ્‍ટિક્‍સ ખોરવાય તો પણ રવી અને ખરીફ પાકને અસર ન થાય તે માટે ખાતર ઉત્‍પાદન અને આયાતનું સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. શાકભાજી, ફળો અને અન્‍ય ખાદ્યપદાર્થોના ભાવો પર નજર રાખવા માટે ખાસ કંટ્રોલ રૂમ સક્રિય કરવામાં આવ્‍યા છે. પીએમએ રાજ્‍યોને પણ તાકીદ કરી છે કે કાળાબજાર કે સંગ્રહખોરી કરનારા તત્‍વો સામે કડક હાથે કામ લેવામાં આવે. અંતમાં, અફવાઓને રોકવા માટે સચોટ માહિતી લોકો સુધી પહોંચાડવાની જવાબદારી પણ સંબંધિત વિભાગોને સોંપવામાં આવી છે.

(11:58 AM IST)