<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

વોશરૂમ જવાનું બહાનું કાઢી દુલ્‍હન લાખોના ઘરેણાં લઈ ફરાર

જયપુરની ચોમુ પોલીસે એક આંતરરાજ્‍ય ગેંગનો પર્દાફાશ કર્યો : ગેંગના માસ્‍ટર માઈન્‍ડે પોતાની પત્‍નીને જ કમાણીનું સાધન બનાવી હતી. અનેક લગ્ન કરાવીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્‍યા હતા

જયપુર તા.૨: જયપુરની ચોમુ થાણા પોલીસે ખોટા લગ્ન કરીને છેતરપિડી કરનારી ગેંગનો ભાંડો ફોડ્‍યો છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં પતિ-પત્‍ની સહિત તેમનો એક સહયોગી સામેલ છે. પોલીસે આરોપીઓને ઉત્તર પ્રદેશના મથુરાથી ઝડપી પાડ્‍યા છે. તેઓ છેલ્‍લા આશરે ૪ મહિનાથી ફરાર હતા. ગેંગના માસ્‍ટર માઈન્‍ડે પોતાની પત્‍નીને કમાણીનું સાધન બનાવી રાખી હતી. તે કુંવારા લોકોને ફસાવીને પોતાની પત્‍ની સાથે તેમના લગ્ન કરાવી દેતો હતો. તેની પત્‍ની થોડા દિવસ તે પતિ સાથે રહ્યા બાદ ત્‍યાંથી રોકડ અને દાગીના લઈને ફરાર થઈ જતી હતી. પોલીસે હવે એ તપાસ કરી રહી છે કે અત્‍યાર સુધીમાં તેણે પોતાની પત્‍નીના કેટલા લગ્ન કરાવ્‍યા છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર, ધરપકડ કરાયેલ આરોપી પતિ ટીટુ સિહ અને તેની પત્‍ની રાધા સિંહ ઉત્તર પ્રદેશના મથુરાના રહેવાસી છે. તેમનો સહયોગી દેવેન્‍દ્ર સિહ રાજસ્‍થાનના ભરતપુરના ડીગનો રહેવાસી છે. આરોપી પતિ પોતાની પત્‍નીનો સંબંધી બનીને લોકોને મળતો હતો. ત્‍યારબાદ જરૂરિયાતમંદ વ્‍યક્‍તિ સાથે પોતાની પત્‍નીના લગ્ન કરાવી દેતો હતો. ગેંગનો શિકાર બનેલા ચોમુ નિવાસી સુરેશ કુમારે તેમની વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરાવ્‍યો હતો. તેણે પોતાની રિપોર્ટમાં જણાવ્‍યું હતું કે, તેના ભાઈ બિરદીચંદના લગ્ન માટે તેમનો પરિચિત કાનારામ તેમને ભરતપુરના ડીગ લઈ ગયો હતો. ત્‍યાં પહેલા તેમને હોટેલમાં છોકરી રાધા સાથે મુલાકાત કરાવી હતી.

ત્‍યારબાદ ગત ૩૦ નવેમ્‍બરના રોજ તેણે રાધાને પોતાના ઘરે બોલાવી અને પરિવાર સાથે મળાવી હતી. છોકરી પસંદ આવતા તેમણે કહ્યું હતું કે, આના માતા-પિતા નથી, તે પોતાના જીજાના ઘરે રહે છે. આરોપીઓએ ગરીબીનું નાટક કરીને વરપક્ષને જ લગ્નનો તમામ ખર્ચ ઉઠાવવા માટે કહ્યું હતું. ત્‍યારબાદ ૬ ડિસેમ્‍બર ૨૦૨૫ના રોજ લગ્ન નક્કી કરવામાં આવ્‍યા હતા. આ પહેલા ૫૦,૦૦૦ રૂપિયા ફોન-પે દ્વારા લઈ લીધા હતા. ત્‍યારબાદ ૪ ડિસેમ્‍બરના રોજ તેઓ લગ્નનું મુહૂર્ત લઈને આવ્‍યા અને કથિત સંબંધીઓ તથા ગામના લોકોને જમાડવાના નામે આશરે ૩ લાખ રૂપિયાની માગણી કરી હતી. જેમાં ૨.૫ લાખ રૂપિયા રોકડા અને ૧૧,૦૦૦ રૂપિયા વાહન ખર્ચ તથા બાકીની રકમ અન્‍ય વસ્‍તુઓના નામે લેવામાં આવી હતી.

આરોપીઓએ દુલ્‍હનના કપડાં, દાગીના અને અન્‍ય સામાનની ખરીદી પણ પીડિત પક્ષ પાસે જ કરાવી હતી. જેમાં મંગળસૂત્ર, ઝાંઝર, હાથની વીંટી અને પગની વીંટી (વીંછીયા)નો સમાવેશ થતો હતો. આ સિવાય ૪૬,૪૦૦ રૂપિયા ઓનલાઇન ટ્રાન્‍ઝેક્‍શનથી વધુ લેવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ ૬ ડિસેમ્‍બરના રોજ લગ્નના દિવસે પણ સામાજિક દબાણ બનાવીને ૧ લાખ રૂપિયા વધુ વસૂલવામાં આવ્‍યા હતા. આરોપીઓએ પીડિત પક્ષ પાસેથી કુલ મળીને આશરે ૫ લાખ રૂપિયા અને દાગીના ઠગી લીધા હતા. લગ્ન પછી દુલ્‍હન સાસરે પહોંચી, જ્‍યાં તેનું ખૂબ જ ધામધૂમથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ૨૬ ડિસેમ્‍બરના રોજ પીડિત પક્ષ રાધાને તેના કથિત જીજા ટીટુના ઘરે લઈને ગયા હતા. ત્‍યાં રાત્રે વોશરૂમ જવાના બહાને તે રોકડ અને દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી.

તેનો જીજા ટીટુ પણ શાકભાજી લાવવાના બહાને પહેલા જ નીકળી ગયો હતો. લાંબો સમય સુધી બંને ન આવ્‍યા તો પરિવારને શંકા ગઈ. ફોન કરવા પર બંનેના મોબાઈલ પણ બંધ આવતા હતા. તેમણે આસપાસના લોકોની પૂછપરછ કરી તો ખબર પડી કે ટીટુ અને રાધા સાળા-બનેવી નહીં પણ પતિ-પત્‍ની છે. આ લોકો અગાઉ પણ અન્‍ય લોકો સાથે આ પ્રકારે છેતરપિડી કરી ચૂક્‍યા છે. પીડિત પરિવારને એ પણ જાણવા મળ્‍યું કે આરોપીઓ પહેલા પણ આવા કેસોમાં જેલ જઈ ચૂક્‍યા છે. ત્‍યારબાદ પીડિતો પોલીસ પાસે પહોંચ્‍યા હતા. પોલીસે મામલાની ગંભીરતા જોઈને ટીમ બનાવી આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. હાલ પોલીસ આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે, જેમાં છેતરપિડીના વધુ કિસ્‍સાઓ ખુલે તેવી શક્‍યતા છે.

 

(10:12 AM IST)